કહેવત પાછળની વાર્તા
કહેવત:
"સિદ્દી ભાઈને સિદ્દકાં વહાલા."
સિદ્દી નામની
પ્રજાતી જુનાગઢ પાસે જાંબુર, ઝઘડીયા ને બીજી
બે ચાર જગ્યાએ ગુજરાતમાં વસે છે. એમના બાળકોને સિદ્દકાં કહેવાય.
જુનાગઢના નવાબને એક સિદ્દી ગુલામ હતો એ
બહુ બુદ્ધિશાળી હતો. એની પર ખુશ થઈને નવાબે એને પોતાનો વજીર બનાવ્યો.
એકવાર નવાબને પોતાના શાહજાદાને જોઈને
વિચાર આવ્યો કે મારા રાજમાં મારા શાહજાદા જેટલું સુંદર બીજું કોઈ બાળક હશે? એમણે પોતાની
રાણીને આ સવાલ કર્યો તો રાણીએ કહ્યું,"દરેક મા-બાપને પોતાનું બાળક જ સુંદર ને વહાલું
લાગે. પછી ભલે ને અસુંદર હોય." નવાબ એ વાત માનવા તૈયાર નહોતા.
એટલામાં વજીર ત્યાં આવ્યા એટલે નવાબે
એમને આ પ્રશ્ન પૂછીને જુનાગઢ રાજના સૌથી સુંદર બાળકને શોધવાનું કહ્યું. વજીરે એ
માટે એક મહિનાનો સમય માંગ્યો. બીજા દિવસે સિદ્દીએ ઢંઢેરો પીટાવી અલગ અલગ વિસ્તારના
બાળકોને લઈ મા-બાપને એક જગ્યાએ ભેગા થવાનો આદેશ કરી વારા ફરતી જોવા માંડ્યા પણ એને
કોઈ બાળક સુંદર લાગે જ નહીં. એમ કરતાં મહિનો પૂરો થવા આવ્યો. કાલે નવાબને શું જવાબ
આપીશ એની ચિંતામાં એ માથે હાથ દઈને બેઠો હતો ત્યાં એની પત્નીએ પૂછ્યું કે, શું ચિંતા છે? એટલે સિદ્દીએ
પત્નીને પોતાની સમસ્યા જણાવી. તેની પત્નીએ એમના નાના બાળકને સામો ઊભું કરીને
કહ્યું,"આ તે કાંઈ સમસ્યા
છે? આખા રાજ્યમાં
આપણા બાળકથી સુંદર બાળક બીજું કોઈ નહીં હોય!"
સિદ્દીને ય
પોતાના દીકરાને જોઈને વહાલ ઊભરાયું ને એમ થયું કે હું ય ખરો છું ને, સહુથી સુંદર બાળક
તો મારા ઘરમાં જ હતું ને આખા ગામમાં ગોતતો ફરું છું!
બીજે દિવસે એણે નવાબ આગળ પોતાના દીકરાને
સર્વ શ્રેષ્ઠ સુંદર બાળક તરીકે પ્રસ્તુત કર્યો. નવાબને જવાબમાં શાહજાદો જ સહુથી
સુંદર બાળક છે એમ સાંભળવું હતું પણ સિદ્દીને પોતાનો પુત્ર જ સુંદર લાગ્યો એટલે એના
પરથી કહેવત પડી કે "સિદ્દીભાઈને સિદ્દકાં વહાલાં". અર્થાત દરેક
મા-બાપને પોતાનું બાળક કાળું, ગોરું, સુંદર,અસુંદર જેવુ હોય
તેવું પણ સર્વથી વધુ સુંદર લાગે છે.
-અજ્ઞાત
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો