રાજસ્થાનનું જેસલમેર શહેર રણવિસ્તારમાં સ્થિત છે. શહેરની બહાર સેંકડો કિલોમિટર સુધી રણ ફેલાયેલું છે, જ્યાં દરેક સ્થળે રેતીના મોટા મોટા ટિંબા છે.
શહેરથી અમુક માઇલ દૂર 'કુલધરા' નામનું એક સુંદર ગામ છે જે પાછલાં 200 વર્ષોથી વેરાન પડ્યું છે.
આ ગામમાં રહેતા લોકો 200 વર્ષ પહેલાં રાતોરાત પોતાનું ગામ છોડીને અન્યત્રે જતા રહ્યા હતા અને ક્યારેય પરત ફર્યા નહોતા.
કુલધરા ગામ હવે પુરાતત્ત્વ વિભાગની દેખરેખ અંતર્ગત છે. સ્થાનિક પરંપરા અનુસાર, બે સદી પહેલાં, જ્યારે જેસલમેર રજવાડું હતું, ત્યારે કુલધરા ત્યાંનું ખૂબ જ ખુશાલ ગામ હતું. અહીંથી રાજ્યને સૌથી વધુ આવક થતી હતી.
અહીં ઉત્સવ અને પરંપરાગત નૃત્ય અને સંગીત સમારોહ થતા.
આ ગામમાં પાલીવાલ બ્રાહ્મણ રહેતા હતા. ગામની એક છોકરીનાં લગ્ન થવાનાં હતાં, જેમના અંગે કહેવાય છે કે તેઓ ખૂબ જ સુંદર હતાં.
જેસલમેર રજવાડાના દીવાન સાલિમસિંહની નજર એ છોકરી પર પડી ગઈ અને તેઓ તેમના પ્રેમમાં પડી ગયા અને તેમણે એ છોકરી સાથે લગ્ન કરવાની હઠ કરી.
સ્થાનિક સ્તરે પ્રચલિત કહાણી અનુસાર, સાલિમસિંહ એક અત્યાચારી વ્યક્તિ હતી જેમની ક્રૂરતાઓની કહાણીઓ દૂર-દૂર સુધી પ્રચલિત હતી. કુલધરાના લોકોએ સાલિમસિંહ સાથે છોકરીનાં લગ્ન કરાવવાની ના પાડી દીધી.
સાલિમસિંહે ગામલોકોને વિચારવા માટેનો સમય આપ્યો. ગામના લોકો જાણતા હતા કે જો તેઓ સાલિમસિંહની વાત નહીં માને તો તેઓ ખૂનખરાબો કરી નાખશે.

પરંપરા અનુસાર, કુલધરાના લોકોએ ગામના મંદિર પાસે સ્થિત એક સ્થળે પંચાયત યોજી અને પોતાની દીકરી અને ગામના સન્માનને બચાવવા માટે હંમેશ માટે ગામ છોડી દેવાનો નિર્ણય કર્યો.
તમામ ગામલોકો રાતના સન્નાટામાં પોતાનો બધો સામાન, પશુ, અનાજ અને કપડાં લઈને પોતાનાં ઘરોને છોડીને હંમેશાં માટે જતા રહ્યા અને ક્યારેય પરત ન ફર્યા.
જેસલમેરમાં આજે પણે સાલિમસિંહની હવેલી મોજૂદ છે પરંતુ તેને જોવા માટે કોઈ નથી જતું.
જેસલમેર પાસે સ્થિત કુલધરા ગામમાં કતારબદ્ધ પથ્થરનાં મકાન હવે સમયની સાથે ખંડિયરે બની ચૂક્યાં છે. પરંતુ આ ખંડિયેરોથી ભૂતકાળમાં આ ગામ સમૃદ્ધ હતું એ વાતની ખબર પડે છે.
અમુક ઘરોમાં ચૂલા, બેસવાની જગ્યા અને ઘોડા મૂકવાની જગ્યાની મોજૂદગીથી એવું લાગે છે કે જાણે લોકો અત્યારે જ અહીંથી નીકળ્યા છે. અહીંની દીવાલો ઉદાસીનો અહેસાસ કરાવે છે. ખુલ્લી જગ્યામાં વસેલ હોવાના કારણે સન્નાટામાં હવાના સુસવાટા સાથે માહોલ હજુ વધુ ઉદાસ બની જાય છે.
સ્થાનિક લોકો પોતાના વડવાઓનાં મોઢે સાંભળેલી વાતો વિશે જણાવતાં કહે છે કે રાત્રિના સન્નાટામાં કુલધારામાં ખંડિયેરોમાં લોકોનાં પગની આહટ સંભળાય છે.
સ્થાનિક લોકોમાં એવી માન્યતા પણ છે કે કુલધારાના લોકોના આત્મા આજેય અહીં ભટકે છે.
રાજસ્થાન સરકારે આ ગામમાં પર્યટકોને આકર્ષિત કરવા માટે અહીંનાં અમુક ઘરોને પહેલાંની જેમ બહાલ કરી દીધાં છે. ગામનું મંદિર આજે પણ વીતેલા સમયના સાક્ષીની જેમ પોતાની જગ્યાએ ઊભું છે.
દર વર્ષે હજારો પર્યટકો આ ગામને જોવા માટે અહીં આવતા. અહીંના સ્થાનિક લોકો આ ગામનું ઘણું સન્માન કરે છે.
વધુ એક માન્યતા એવી પણ છે કે કુલધારાના લોકો જ્યારે આ ગામ મૂકીને જઈ રહ્યા હતા, ત્યારે તેમણે શાપ આપ્યો હતો કે આ ગામડું ક્યારેય ફરી નહીં વસે.
બે સદી બાદ પણ આ ગામ જેસલમેરના રણમાં વેરાન પડ્યું છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો