"ભલે કોઈ આવે ના આવે મારી સાથે,
પણ હું જઈશ સોમનાથ ની સખાતે"
"મળ્યો ના ક્યાંય મરદ, મેર બને જે મુંડનો,
દેખી શિવનું દરદ, હાલ્યો એક હમીરજી"
અર્થાત-શિવની મુંડમાળમા ઘણા મસ્તકો હતા પણ મેર બને એવું મરદ માણહનુ મસ્તક એક પણ ન હતું શિવને એ વાત નું ખુબ દુઃખ હતું.
ગોહિલવાડ ના સાવજ હમીરજી ગોહિલ શિવનું દુઃખ ભાંગવા નીકળી પડ્યા હતા સોમનાથની સખાતે.
સોમનાથ ઉપર ગજનવી, ઘોરી ને ઝફર ખાન જેવા વિધર્મીનો કાળ વર્ષો સુંધી મંડરાઇ રહ્યો.... એ સમયે નેક ટેક ને ખુમારી થી લડતી કોમ એ પોતાના લીલેરા મસ્તકનું બલિદાન આપી પ્રથમ જ્યોર્તિલિંગ શ્રી સોમનાથ દાદાના મંદિર નું રક્ષણ કર્યું.
ઝફરખાન મૂર્તિપૂજા નો કટ્ટર વિરોધી, તેની નજર સોમનાથ મંદિર પર હતી, કારણ કે હિંદુ લોકોની ખૂબ જ આસ્થા હતી એ સમય નું સૌથી વૈભવ શાળી જાહોજલાલી ભરેલ મંદિર પણ ખરું જ.
રસૂલ ખાનને ઝફરખાનનું ફરમાન છૂટ્યું: મંદિર માં મોટી સંખ્યામાં હિંદુઓ એકત્ર ન થવા જોઈએ.એ સમયે શિવરાત્રી નો મેળો ભરાયો.રસૂલ ખાને મારઝૂડ કરી માણસો ને વિખેરવાનો પ્રયાસ કર્યો. ત્યાંની પ્રજાએ રસૂલ ખાનને તેના પરિવાર સમેત ત્યાજ ભોંય માં ધરબી દીધો.
ઝફર ખાન ને સમાચાર મળતાં કાળઝાળ થઈ ઊઠ્યો, સોરઠ ને દળી નાખવા તેના હાથ સળવળી ઉઠ્યા.
એ સમયે મૂર્તિપૂજા , સમસુદીનનો પરાજય, રસૂલ ખાન નું મોત આમ કેટલીય બાબતો દિલમાં કાંટાની જેમ ભોંકાતી હતી.
કાબુલી, મકરાણી , અફઘાની અને પઠાણી સૈનિકો ની ફૌજ લઈને સોમનાથ મંદિર ઉપર આક્રમણ કરવા ચાલ્યો આવે છે.
બીજી તરફ હમીરજી ને આં વાત ની ભનક પણ નથી. હમીરજી એના ભેરુઓ સાથે વગડામાં ખેલીને દરબારગઢમાં આવ્યા.સૌને કકડીને ભૂખ લાગી હતી.હમીરજી જમવાની ઉતાવળા કરવા લાગ્યા. એટલે દુદાજીની પત્ની એટલે કે હમીરજીના ભાભીએ કહ્યું કે: દિયરજી!!!આટલી બધી ઉતાવળ કા કરો ? ઝટ ખાઈને સોમૈયાની સખાતે ચડવું છે?? હમીરજી એ ભાભી ને કહ્યું, કેમ ભાભી !! સોમૈયા પર સંકટ છે? ભાભી એ કહ્યું: પાદશાહિ દળકટક સોમનાથ મંદિરને તોડવા ચાલ્યું આવે છે.
હમીરજી સફાળા બેઠા થઇ ગયા. શું વાત કરો છો?? કોઈ રાજપૂતજાયો સોમનાથ માટે મરવા નીકળે તેવો નથી? રાજપૂતો ના દેખતા મહાદેવ પર વિધર્મીની ફોજ ચડશે?? શું રાજપૂતિ મરી પરવારી છે? આવા કેટલાય સવાલો એને કરી નાખ્યા ...ભાભી એ નિરાશ થઈને કહ્યું રાજપૂતો તો પાર વિનાના છે , પણ સોમૈયાની સખાતે ચડે એવો કોઈ દેખાતો નથી. અને આં થોડો કઈ શિકાર કરવો છે??જબ્બર ફૌજ સામે શંકર ની સખાતે જવાનું છે. તમને બહુ લાગી આવતું હોય તો તમે હથિયાર બાંધો દિયરજી. તમેય ક્યાં રાજપૂત નથી!!? આમ હમીરજી ના ભાભી સહજ બોલી ગયા. હમીરજી ને જાળ લાગી. મેણું હાડોહાડ વ્યાપી ગ્યું.
જ્યારે અંદરો અંદર ના વિખવાદ ને લીધે અને વ્યક્તિગત અહમ ના લીધે નાના નાના રજવાડાઓમાં એકતા નો સ્થપાય અને હમીરજી નો સાથ કોઈ ગિરાસદાર ક્ષત્રિય એ આપ્યો નહિ અને બધા બાદશાહ ની મોટી ફોજ જોઈ ને બાદશાહ સાથે દુશ્મની લેવા કોઈ તૈયાર નો થયું ત્યારે હમીરજી નો મિત્ર જખરો આયર, હમીરજી ને પૂછે છે:હમીર!! આપડી સાથે તો કોઈ આવવા તૈયાર નથી કારણ કે આ તો મોત નો મારગ છે આપડે શું કરીશું ??
ત્યારે હમીરજી, સિંહ જેમ ગર્જના કરે એમ ગર્જના કરી ને બોલ્યા
કે જખરાં કોઈ ના આવે તો કઈ નહિ,
આપડે બેય જઈશું.
વાહ હમીરજી ગોહિલ વાહ!! તમારી મર્દાનગી અત્યારે રૂંવાડા ઉભા થઈ જાય વિચાર તો કરો કે જ્યારે બન્યું હસે ત્યારે કેવો માહોલ હસે ??
અને પછી બંને નીકળે છે અને જેમ જેમ આગળ વધતા જાય છે એમ આવા નરબંકા રાજપૂતો બ્રાહ્મણો અને અઢારેય વરણ માંથી શુંરવિરો જે સોમનાથ દાદા માટે માંથા આપવા હમીરજી ગોહિલની સાથે તૈયાર થાય છે.આમ એક મર્દ માણસોની ટુકડી લઈ હમીરજી
૩૦૦ જેટલા મરજીવાઓ ( આદિવાસી વેગડા જી ભીલ, આહીર, કાઠી ,મેર, ભરવાડ અને રબારીઓ ) ને સાથે લઈને સોમનાથ નો મારગ લીધો.
રસ્તામાં આઈ લાખબાઈ નો મેળાવડો થયો અને એમના આશીર્વાદ લઈ જીવતે જીવ પોતાના મરશિયા ગવડાવી સોમનાથ તરફ પ્રયાણ કરે છે.
એરસ્તા માં દ્રોણગઢ ડુંગર પર વેગડા જી ભીલ દ્વારા જેઠવા રાજપૂત ના દીકરી બા રાજબાઇ ના લગ્ન હમીરજી સાથે કરાવ્યા.( દ્રોણ ગઢ ડુંગર એટલે સિહોર તાલુકા (સિંહલપુર) ના અંતરિયાળ ગામ #ટોડા, ટોડી અને માલવણ ના સીમાડે આવેલ ડુંગર જ્યાં હાલ પણ જુના કિલ્લાના અવશેષો અને હમીરજી ના લગ્નની લોકવાયકાઓ પ્રચલિત છે)
ઝફરખાન બરાબર પ્રભાસના પાદરમાં આવી પહોંચયો. વેગડાજીના ભીલોના તાતા તીરોએ બાદશાહી ફોજના સામૈયા કર્યા. બળુકા હાથમાંથી છુટતા બાણ મુસ્લિમ સેનાને ત્રાહિમામ પોકરાવી રહ્યા છે. એક બાજુ દેવાલયને તોડવાનુ પ્રબળ ઝનુન છે, તો બીજી તરફ મંદીરને બચાવવાની અજબ જિજિવિષા છે. હાથી પર બેઠેલા ઝફરખાને સૈન્યનો સંહાર થતો નિહાળી તોપો આગળ કરવાનો હુકમ છોડયો.
તે સમયે ભીલ બાણાવળીઓ ઝફરખાનનો ઈરાદો પામી ગયા. સોમનાથને ફરતી ગીચ ઝાડીમાં વ્રૂક્ષોમાં સંતાઈને બાણવર્ષા તેમણે શરૂ કરી. સુબાના તોપચીઓ તોપ માથે ચિત્કાર કરીને ઢળવા માંડયા. ઝફર વધારે રોષે ભરાયો હતો. તોપચીઓ મરતા બીજી હરોળ આગળ કરી. ભીલ સૈનિકોની સંખ્યા ઓછી થવા લાગી. ઝફરખાને તેના સરદારને હાથીની સાથે આગળ કરીને વેગડાજી સાથે યુધ્ધમાં મોકલ્યો અને તાલીમ પામેલા હાથીએ વેગડાજીને સુંઢમાં લઈને આઘે ધા કર્યો અને વેગડાજી ત્યાંજ મરાણો. બીજી બાજુ હમીરજી સોમનાથ અને પાટણ નું રક્ષણ કરી રહ્યા હતા. વેગડાજી શહીદ થતાની સાથે જ ઝફરખાનનાં સૈન્યએ સોમનાથના ગઢ માથે હલ્લો કર્યો. સામે હમીરજી પણ સાવધ હતા. સળગતા તીરના મારા સાથે પથ્થરના ગોળા ગબડતા મુક્યા. ગઢ પાસે આવી ગયેલા સૈનિકો માથે ઉકળતા તેલ રેડ્યા. આમ પ્રથમ હલ્લો પાછો પડ્યો. સાંજ પડી મંદીરમાં આરતી થઈ હતી અને તે સમયે હમીરજીએ સૌને ભેગા કરી વ્યુહ સમજાવ્યો. ઝફરખાને સોમનાથને ત્રણેય બાજુથી ઘેરી લીધુ હતુ અને એક બાજુતો સમુદ્ર હતો. બીજા દિવસે સવારથી જ હમીરજી અને સૈનિકોએ ઘોડાઓ ઉપર સવાર થઈ ને દુશ્મનોના હાથીને #ભા"લા ઘોકીને ત્રાહીમામ પોકરાવી દીધા, જેથી ઝફરખાનનુ સૈન્ય હચમચી ગયું. ઝફરખાને અંદર પ્રવેશવા માટે ગઢનાં પાયામાં સુરંગ ખોદાવી હતી, તેમા હમીરજીએ પાણી રેડાવીને નકામી બનાવી દીધી હતી. આમ યુધ્ધને લગાતાર નવ દિવસ પુરા થઇ ગયા હતા.
યુધ્ધમાં વીરગતિ :
સોમનાથના ગઢની સામેજ નવ નવ દિવસથી ઝફરખાનનાં સૈન્યનો સામનો કરતા કરતા હમીરજી પાસે હવે તો અમુક ચુનંદા શુરવીરો જ બચ્યા હતા. સોમનાથને તુટતુ બચાવવા હમીરજીની આગેવાનીમાં આવેલા તમામ શુરવીરો એકઠા થયા હતા. નવમાં દિવસની રાત્રે હમીરજીએ યુધ્ધનો વ્યુહ સમજાવ્યો અને સવારના પહોરમાં સુરજનારાયણ આકાશમાં રમવા નીકળે એટલે તરત ગઢ ખુલ્લો મુકી દેવો અને કેસરિયા કરી લેવા. ” થઈ જાવ સૌ સાબદા ” એમ હમીરજી બોલતા તો હર હર મહાદેવનાં ધોષ ગાજ્યા. આખી રાત કોઈ સુતુ નથી, સોમનાથના મંદીરમાં મોતને મીઠું કરવા માટે અબીલ ગુલાલ ઊડી રહ્યો છે. મરણિયા વીરોએ શંકરદાદાને પણ તે રાતે સુવા ન દીધા. પરોઢીયે નહાઇ ધોઇને હમીરજીએ શંકરની પુજા કરી. હથિયાર સજી આઈ લાખબાઈને પગે લાગ્યા અને કહ્યુ કે આઈ, આશિષ આપો. કાનોકાન મોતના મીઠાં ગીતો સાંભળવાની વેળા આવી પહોંચી છે. પટાંગણમાં ઘડીક સુનકાર ફેલાઈ ગયો. પડથારે બેસીને માળા ફેરવતા આઈ બોલ્યા, ધન્ય છે વીરા તને . સોરઠની મરવા પડેલી મર્દાનગીનુ તે પાણી રાખ્યું. અને તેને ગાયુકે, વે’લો આવ્યો વીર, સખાતે સોમૈયા તણી; હીલોળવા હમીર, ભાલાની અણીએ ભીમાઉત. માથે મુંગીપર ખરૂ, મોસાળ વસા વીસ; સોમૈયાને શીષ, આપ્યુ અરઠીલા ધણી.
દશમાં દિવસની સવારમાં જેવા સુરજનારાયણનુ આગમન થયુકે ગઢના દરવાજા ખુલ્યાને #હમીરજી અને સાથી યોધ્ધાઓ ઝફરખાનની ફોજ માથે ત્રાટકયા. આમ અચાનક વહેલા આક્રમણથી ઝફરખાન હેબતાઇ ગયો એન સેન્યને સાબદુ કરીને યુધ્ધ શરૂ કર્યુ. બીજી બાજુ મોતને ભેટવા નીકળેલા હમીરજી અને સાથીઓએ કાળોકેર વર્તાવી દીધો. સાંજ પડતાજ દુશ્મનોના સૈન્યને અડધા ગાઉ જેટલુ પાછુ ઠેલવી દીધુ અને તે દિવસનુ યુધ્ધ બંધ થયુ. #સોમનાથ ના ગઢમાં પરત ફરતાજ #હમીરજી જોવે છેકે સાથીઓમાં અમુકના હાથ કપાયા છે તો અમુકના પગ, અમુકના આંતરડા બહાર નીકળી ગયા છે. અને હવે લગભગ દોઢસોથી બસ્સો જ સાથીઓ બચ્યા છે. હમીરજીએ સાથીઓની સાથે નિર્ણય કર્યોકે સવારનુ યુધ્ધ સોમનાથના સાનિધ્યમાં લડવાનુ નક્કી કર્યુ. સવાર પડતાજ ઝફરખાને સામેથી હુમલો કર્યો કારણકે તે વધારે સમય લેવા માંગતો ન હતો. જયારે હમીરજી અને સાથીઓએ શિવલીંગને જળથી સ્નાન કરાવીને એકબીજાને છેલ્લા જુહાર કરી અને રણમેદાનમાં ઉતર્યા.
સાંજ પડતા યુધ્ધમાં હમીરજી અને એક બે યોધ્ધા જ બચ્યા હતા અને લડી રહ્યા હતા. હમીરજીનુ આખુ શરીર વેતરાઇને લીરા જેવુ થઈ ગયુ છે, છતા પણ દુશ્મનોને મચક આપતા નથી. ઝફરખાને સૈનિકોને ઈશારો કર્યો અને હમીરજીને કુંડાળામા ઘેરી લેવામાં આવ્યા અને તેમની માથે એક સામટી દશ તલવાર પડી. શિવલીંગનું રક્ષણ કરતો એ અંતિમ યોધ્ધો પણ ઢળી પડયો અને સોમનાથનું મંદીર ભાંગ્યું. આમ આ યુધ્ધમાં સાંજ પડી, હમીરજી પડ્યા અને સોમનાથ પણ પડ્યું. ત્યારે આઈ લાખબાઈ ગઢની દેવડીએ ચડીને નિરખી રહ્યા હતા. અને આ શુરવીર યોધ્ધાને બિરદાવતા મરશિયા ગાયાકે, રડવડિયે રડિયા, પાટણ પારવતી તણા; કાંકણ કમળ પછે, ભોંય તાહળા ભીમાઉત. વેળ તુંહારી વીર, આવીને ઉં વાટી નહીં; હાકમ તણી હમીર, ભેખડ હુતી ભીમાઉત.સોમૈયાના ગઢની દેવડીએ આઈ લાખબાઈએ એકબાજુ મરશિયા ઉપાડયા હતા તો બીજી તરફ સામે જ સોમનાથનું દેવળ સુબાના સૈનિકોના હાથે લુંટાઇને તુટી રહ્યુ હતુ. હમીરજી ગોહિલ ઈતિહાસનુ અદભુત પાત્ર છે. ઈતિહાસે હમીરજી ગોહિલની નોંધ એટલા માટે લેવી પડે છે જે જ્યારે સૌરાષ્ટ્રની રાજપુતી રોળાઈ રહી હતી ત્યારે પોતાના મુઠ્ઠીભર ભેરૂબંધો સાથે સુબા ઝફરખાનની જંગી ફોજ સામે સોમનાથનુ રક્ષણ કરવા ચડ્યા હતા. અને વૈશાખ શુક્લ નવમી ના દિવસે હમીરજી ગોહિલ એ વીરગતિ પ્રાપ્ત કરી હતી.
આ યુધ્ધમાં અઢારેય વરણ ના લીલેરા માથા સાથે સવા મણ જનોઈ તોળાય છે આટલા બ્રાહ્મણો પોતાનું બલિદાન આપે છે સાહેબ!! દુનિયા એમ ને એમ સલામ નથી કરતી લોહી રેડવા પડે છે.
પણ હે હમીરજી
તમે તો જીવતર જીવી ગયા પણ ઇતિહાસ યાદ રાખશે કે
જ્યારે સોમનાથ દાદા ઉપર ચડાઈ કરવા માટે દુશ્મનો આવ્યા અને બુંગિયો ઢોલ વાગ્યો ત્યારે મર્દો વગર બોલાવે આવી ગયા મેદાન માં કારણ કે યુદ્ધ ના આમંત્રણ નથી હોતા મર્દ માણસો પોતે જ યુદ્ધ મેદાન માં આવી જાય છે. આ બુંગીયો ઢોલ વાગ્યો ત્યારે પોતાના બારણાં બંધ કરી દેનારા કાયરો ને કાયમ આ વાત નો અફસોસ રહેશે કે જ્યારે ધર્મ ની લાજ રાખવા માટે આહવાન કરવામાં આવ્યું ત્યારે પોતે નમાલા થઈને ઘર માં ઘુસી ગયા.જ્યારે પણ સોમનાથ દર્શન કરવા જાવ ત્યારે સોમનાથ દાદા ના દર્શન પછી કરજો પેહલા હમીરજી ગોહિલ ની ખાંભી પાસે મસ્તક નામાવજો કારણ કે મહાદેવ તો તમને તમારા ગામના શિવાલય માં પણ મળી જશે.પણ આ મહાદેવ માટે ખપિજનારા શિવ ભક્ત હમીરજી એકજ થયા છે એ નહિ મળે.
ટપકું:- સોમનાથ મહાદેવની સખાતે વીર પુરુષોએ પોતાના મસ્તક દાદાના ચરણોમાં અર્પણ કર્યા.
પણ જ્યારે ધર્મ ઉપર આંચ આવી ત્યારે આપડે જેને નપુંસક કહી ને વારે-વારે અપમાનિત કરીએ છીએ એવા ,૫૦૦૦ પાંચ હજાર પાવૈયાઓ એ પણ એ યુદ્ધમાં હથિયાર ધારણ કરી ને દાદા ના ચરણો માં પોતાના મસ્તક અર્પણ કર્યા હતા. ક્યારેક વેરાવળ રેલવે સ્ટેશન જઈ ને પૂછો ને તો કોઈક બતાવશે ત્યાં ખાંભી નથી કે પાળીયા નથી પણ ધૂળ ની ઢગલીઓ છે એ આ પાવૈયા ના બલિદાનની નિશાની છે જેનું વર્ણન બચૂ દાન બાપુ ગઢવી એ કરેલ છે.
તો વિચાર કરજો કે આ વાત સાંભળ્યા પછી તમારાં અંતર આત્મા ને પૂછી લેજો કે આપડે આમાં ક્યાં છીએ.
ફરી એકવાર
ધન્ય છે હમીરજી ગોહિલ ને
અને ધન્ય છે હમીરજી ગોહિલ ની જનેતા ને
ધન્ય છે વેગડા ભીલ ને
અને ધન્ય છે એ બ્રાહ્મણો ને
અને ધન્ય છે એ બહુચરાજી ના અવતારો ને 🙏
તારું ઈશથી (ઇશ્વરથી ) ઉંચું ખમીર,
સુણતા નામ સોમનાથ ને યાદ આવે હમીર
લાઠી કુંવર , સોમનાથના સપુત,
#વિર_હમિરજી દાદા ને 619 મી પુણ્યતિથિ પર કોટી કોટી વંદન...🙏🙏
#वीर_हमीरजी_गोहिल
✍🏻 ગોહિલ ભગીરથસિંહ
આવા જ વિવિધ લેખો આપનાં મોબાઈલ પર મેળવવા માટે આમારા વોટ્સએપ ગ્રુમાં જોડાઓ :
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે |
અહિંયા ક્લિક કરો |
અન્ય મહત્વપૂર્ણ લિંક્સ :
સરકારી ભરતીની જાહેરાતો | અહીંયા ક્લિક કરો |
જાણવા જેવું (અજબ ગજબ) | અહીંયા ક્લિક કરો |
સરકારી યોજનાઓ | અહીંયા ક્લિક કરો |
હેલ્થ કેર (દેશી ઔષધ) | અહીંયા ક્લિક કરો |
મોટીવેશનલ સ્ટોરી | અહીંયા ક્લિક કરો |
શૂરવીરોની વીરગાથાઓ | અહીંયા ક્લિક કરો |
બૉલીવુડ ગપશપ | અહીંયા ક્લિક કરો |
રમત ગમત | અહીંયા ક્લિક કરો |
આજના ન્યુઝ પેપર | અહીંયા ક્લિક કરો |
આજનું રાશિ ભવિષ્ય | અહીંયા ક્લિક કરો |
────⊱◈✿◈⊰────
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો