મંગળવાર, 9 મે, 2023

સ્લીપ પૅરાલિસિસ: ઊંઘમાં એવું કેમ લાગે કે છાતી પર ભૂત બેઠું છે?

સ્લીપ પૅરાલિસિસ: ઊંઘમાં એવું કેમ લાગે કે છાતી પર ભૂત બેઠું છે?
તે મારી સાથે પહેલી વાર બન્યું ત્યારે હું કિશોર વયનો હતો.

સવારે સ્કૂલે જવાને થોડા કલાક બાકી હતા ત્યારે મારી ઊંઘ ઊડી ગઈ. મેં પથારીમાં પડખું ફેરવવાનો પ્રયાસ કર્યો, પરંતુ શરીરે મને સાથ ન આપ્યો. હું જરાય હલનચલન કરી શકતો ન હતો. મારું શરીર મસ્તકથી છેક અંગૂઠા સુધી પૅરાલાઇઝ્ડ (લકવાગ્રસ્ત) થઈ ગયું હતું.

મારું મગજ જાગૃત હતું, પણ મારા સ્નાયુઓ ઊંઘી રહ્યા હતા.

મારો ઓરડો ગરમ અને બાધક લાગતો હતો. જાણે કે દીવાલો વધુને વધુ નજીક આવી રહી હતી. હું ગભરાઈ ગયો હતો. આખરે 15 સેકન્ડ પછી લકવો અદૃશ્ય થઈ ગયો હતો.

મને શું થયું હતું એ પછી જાણવા મળ્યું હતું. મને 'સ્લીપ પૅરાલિસિસ' થયો હતો.

મને શું થયું હતું એ પછી જાણવા મળ્યું હતું. મને 'સ્લીપ પૅરાલિસિસ' થયો હતો.

આ એક આશ્ચર્યજનક રીતે સર્વસામાન્ય માત્ર રાત્રે જ અનુભવાતી સ્થિતિ છે, જેમાં મગજનો એક ભાગ જાગૃત હોય છે, જ્યારે શરીર અસ્થાયી રીતે લકવાગ્રસ્ત થઈ જાય છે.

તે પ્રથમ અને ભયાનક ઘટના પછી મને સ્લીપ પૅરાલિસિસનો અનુભવ વારંવાર થયો હતો. દર બીજી કે ત્રીજી રાતે એવું થતું હતું.

મારી સાથે એવું જેટલું વધારે થયું એટલો મારો ડર ઘટ્યો. તે અકળામણ કરતાં કંઈક વધારે હતું, પરંતુ સ્લીપ પૅરાલિસિસ લોકોના જીવન પર માઠી અસર કરી શકે છે.

કેટલાક લોકો માટે તે મતિભ્રમ જેવી સ્થિતિ સર્જે છે.

મેં 24 વર્ષની એક યુવતી વિક્ટોરિયા સાથે વાત કરી હતી. વિક્ટોરિયાએ તેઓ 18 વર્ષનાં હતાં ત્યારે એક રાતે થયેલા પ્રથમ અનુભવ અંગે ઉપરોક્ત વાત જણાવી હતી.

તેમણે કહ્યું હતું કે, "હું જાગી ગઈ હતી, પરંતુ હલનચલન કરી શકતી ન હતી. તોફાની પિશાચ જેવી આકૃતિ પડદા પાછળ છુપાયેલી હોય એવો ભાસ થયો હતો. તે અચાનક મારી છાતી પર કૂદી પડી હતી."

"હું કોઈ અલગ પ્રદેશમાં પ્રવેશી ગઈ હોઉં એવું લાગ્યું હતું. સૌથી ડરામણી વાત એ હતી કે હું ચીસ પાડી શકતી ન હતી. એ બહુ સ્પષ્ટ અને વાસ્તવિક હતું."

ઘણા લોકોને રાક્ષસ, ભૂત, પરગ્રહવાસી, ઘૂસણખોર અને પરિવારના મૃત સભ્યોનો આભાસ પણ થાય છે.

તેમને તેમના શરીરના ભાગો હવામાં તરતા દેખાય છે અથવા તો પલંગની આજુબાજુ તેમના જ જેવા લોકો ઊભેલા દેખાય છે.

કેટલાકને દેવદૂત દેખાય છે અને પછી તેઓ એવું માનવા લાગે છે કે આ વાત એ એક ધાર્મિક અનુભૂતિ હતી.

સંશોધકો માને છે કે આ ભ્રમણાએ આધુનિક યુરોપમાં ડાકણોની માન્યતાને ઉત્તેજન આપ્યું હશે.

તેમજ આ મતિભ્રમ એલિયન (પરગ્રહવાસી) દ્વારા કથિત અપહરણના દાવાનું કારણ સમજાવી શકે.

વિજ્ઞાનીઓ માને છે કે સ્લીપ પૅરાલિસિસ કદાચ માણસ ઊંઘતો થયો ત્યારથી અસ્તિત્વમાં છે.

સાહિત્યિક ઇતિહાસમાં એવી ઘણી ઘટનાઓના રંગીન વર્ણન વાંચવા મળે છે અને તેને કારણે બ્રિટીશ નાટ્ય લેખિકા મેરી શેલીને તેમની નવલકથા ફ્રેન્કેન્સ્ટાઇનમાં સ્લીપ પૅરાલિસિસનું વર્ણન એક ચિત્ર દ્વારા કરવાની પ્રેરણા મળી હતી.

આ અંગે અત્યાર સુધી બહુ ઓછું સંશોધન થયું છે.

ઊંઘસંબંધી સંશોધન કરતાં હાર્વર્ડ યુનિવર્સિટીના સંશોધક બલાંદ જલાલ કહે છે, “સ્લીપ પૅરાલિસિસ એક અવગણવામાં આવેલી ઘટના છે, પરંતુ છેલ્લાં દસ વર્ષમાં તેમાં રસ વધ્યો છે.”

બલાંદ જલાલે સ્લીપ પૅરાલિસિસની સારવારની વિવિધ રીતોની સૌપ્રથમ ક્લિનિકલ ટ્રાયલ્સ 2020માં પૂર્ણ કરી હતી.

બલાંદ જલાલ એવા જૂજ સ્લીપ સાયન્ટિસ્ટ્સ પૈકીના એક છે, જેઓ સ્લીપ પૅરાલિસિસની સ્થિતિ વિશે સંશોધન કરવા મોટા પ્રમાણમાં સમય અને શક્તિ ખર્ચી રહ્યા છે.

તેમને તેનાં કારણો તથા અસરોનું તેમજ આ સ્થિતિ માનવમગજના વ્યાપક રહસ્ય વિશે શું જણાવે છે વધારે સ્પષ્ટ ચિત્ર મળવાની આશા છે.

કેટલા લોકોને સ્લીપ પૅરાલિસિસનો અનુભવ થાય છે એ બાબતે હજુ હમણાં સુધી બહુ ઓછી સહમતી હતી.

છૂટાછવાયા અભ્યાસ થતા હતા અને એમાં સુસંગતતા ન હતી, પરંતુ ક્લિનિકલ સાઇકૉલૉજિસ્ટ અને હાલ સેન્ટ મેરીઝ કૉલેજ ઑફ મેરીલૅન્ડના વિઝિટિંગ ઍસોસિએટ પ્રોફેસર બ્રાયન શાર્પલેસે, પેન્સિલવેનિયા સ્ટેટ યુનિવર્સિટીમાં કાર્યરત હતા ત્યારે 2011માં આ સ્થિતિના પ્રસારની અત્યાર સુધીની સૌથી વ્યાપક સમીક્ષા હાથ ધરી હતી.

તેમણે પાંચ દાયકા દરમિયાન થયેલા 36,000થી વધુ લોકોને આવરી લેતા 35 અભ્યાસનાં તારણો ધ્યાનમાં લીધાં હતાં.

બ્રાયન શાર્પલેસને જાણવા મળ્યું હતું કે સ્લીપ પૅરાલિસિસ બહુ સામાન્ય બાબત છે.

આઠ ટકા લોકોએ જીવનમાં એક તબક્કે તેનો અનુભવ કર્યો હોવાનો દાવો કર્યો હતો.

યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ (28 ટકા) અને માનસિક દર્દીઓ(32 ટકા)માં તે પ્રમાણ ઘણું વધારે હતું.

‘સ્લીપ પૅરાલિસિસ : હિસ્ટોરિકલ, સાઇકૉલૉજિકલ ઍન્ડ મેડિકલ પર્સ્પેક્ટિવ’ના સહ-લેખક બ્રાયન શાર્પલેસ કહે છે, “એ ખરેખર અસામાન્ય નથી.”

કેમ થાય છે સ્લીપ પૅરાલિસિસનો અનુભવ?
આ સ્થિતિનો અનુભવ થયા પછી કેટલાક લોકો અલૌકિક અથવા પૅરાનૉર્મલ સ્પષ્ટીકરણ ભણી આકર્ષાયા હતા. બલાંદ જલાલના જણાવ્યા મુજબ, વાસ્તવમાં તેનાં કારણો ભૌતિક છે.

રાત્રે આપણું શરીર ઊંઘના ચાર તબક્કામાંથી પસાર થાય છે.

અંતિમ તબક્કાને રેપિડ આઈ મૂવમૅન્ટ સ્લીપ અથવા REM કહેવામાં આવે છે.

એ સ્થિતિમાં આપણે સપનાં નિહાળીએ છીએ. REM દરમિયાન આપણું મગજ, સંભવતઃ આપણને આપણાં સપનાં સાકાર કરતા અને જાતને નુકસાન પહોંચાડતા રોકવા માટે આપણા સ્નાયુઓને પૅરાલાઇઝ કરી નાખે છે, પરંતુ આપણા મગજનો સંવેદનાત્મક હિસ્સો REMમાંથી અકાળે શા માટે સક્રિય થઈ જાય છે તે વિજ્ઞાનીઓ હજુ સુધી જાણી શક્યા નથી.

તેના પરિણામે આપણે જાગૃતિનો અનુભવ કરીએ છીએ, પરંતુ આપણા મગજનો નીચેનો ભાગ REMમાં જ હોય છે અને તે તમારા સ્નાયુને પૅરાલાઈઝ કરવા ન્યૂરોટ્રાન્સમિટર્સ મોકલતો રહે છે.

બલાંદ જલાલ કહે છે, "મગજનો સંવેદનાત્મક હિસ્સો સક્રિય થાય છે. આપણે માનસિક રીતે જાગી જઈએ છીએ, પરંતુ શારીરિક રીતે પૅરાલાઇઝ્ડ હોઈએ છીએ."

મારા આયુષ્યના વીસના દાયકાના પ્રારંભમાં મને દર બે-ત્રણ દિવસે ઊંઘતી વખતે સ્લીપ પૅરાલિસિસનો અનુભવ થતો હતો.

તેમ છતાં તેની મારા જીવન પર બહુ અસર થઈ ન હતી.

મિત્રો અને પરિવારજનો માટે તે રસપ્રદ વાત હતી. એ સંદર્ભમાં મારો અનુભવ સામાન્ય હતો.

ઑક્સફર્ડ યુનિવર્સિટી ખાતે સ્લીપ મેડિસિનના પ્રોફેસર તરીકે કાર્યરત કૉલિન એસ્પી કહે છે, "મોટા ભાગના લોકો માટે એ વિચિત્ર બાબત છે. એ રાતે ઊંઘમાં ચાલવા જેવું છે."

"સ્લીપવૉક કરતા મોટા ભાગના લોકો ડૉક્ટરની સલાહ લેતા નથી. પરિવારજનો માટે તે અચંબાની વાત, ચર્ચાનો મુદ્દો હોય છે."

જોકે, કેટલાક કમનસીબ લોકો માટે એ સ્થિતિ બહુ મુશ્કેલ સાબિત થાય છે.

શાર્પલેસના સંશોધનમાં જાણવા મળ્યું હતું કે સ્લીપ પૅરાલિસિસનો અનુભવ કર્યો હોય તેવા 15થી 44 ટકા લોકોને તેના કારણે નોંધપાત્ર તકલીફનો અનુભવ થતો હતો.

સમસ્યા સ્લીપ પૅરાલિસિસને કારણે નહીં, પરંતુ આપણે તેનો પ્રતિભાવ કેવી રીતે આપીએ છીએ તેના કારણે સર્જાય છે.

સ્લીપ પૅરાલિસિસનો આગામી અનુભવ ફરી ક્યારે થશે તેની ચિંતા દર્દીઓ આખો દિવસ કરતા રહે છે.

એસ્પી કહે છે, "તેને કારણે રાતના આરંભ અને અંતે ચિંતા થઈ શકે છે. તેની આસપાસ ચિંતાનું જાળું ગૂંથાય છે. તેની સૌથી ખરાબ અભિવ્યક્તિ પેનિક ઍટેકના સ્વરૂપમાં થાય છે."


સ્લીપ પૅરાલિસિસ રાત્રિ દરમિયાન થતી એક સામાન્ય અનુભૂતિ છે
સંશોધકો માને છે કે કદાચ આ મતિભ્રમના કારણે જ યુરોપમાં પુરાણા જમાનામાં ડાકણોની માન્યતાને બળ મળ્યું હશે
સ્લીપ પૅરાલિસિસ કદાચ માણસ ઊંઘતો થયો ત્યારથી અસ્તિત્વમાં છે
હવે સંશોધકો આ સ્થિતિનાં કારણો અને તેની માનવ પર થતી અસરો અંગે સઘળી જાણકારી મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે
નિષ્ણાતોને અભ્યાસ બાદ મળેલ તારણો અનુસાર સ્લીપ પૅરાલિસિસ અત્યંત સામાન્ય બાબત હોવાનું સામે આવ્યું છે.


શું છે ભયસ્થાનો અને નિરાકરણ?
સૌથી ગંભીર કિસ્સામાં સ્લીપ પૅરાલિસિસ એ નાર્કોલેપ્સીનો સંકેત હોઈ શકે છે. નાર્કોલેપ્સી ઊંઘની એવી ગંભીર સ્થિતિ છે, જેમાં ઊંઘ અને જાગવાની પૅટર્ન પર મગજનું નિયંત્રણ હોતું નથી. તેને લીધે વ્યક્તિને અયોગ્ય સમયે ઊંઘ આવે છે.

ડૉક્ટરો જણાવે છે કે વ્યક્તિ ઊંઘથી વંચિત હોય ત્યારે પૅરાલિસિસ થવાની શક્યતા વધુ હોય છે, કારણ કે તમારું ઊંઘનું તંત્ર વેરવિખેર થઈ ગયું હોય છે. કેટલાક પીડિતો પથારીમાં ચત્તાપાટ પડ્યા રહે તેવી શક્યતા વધારે હોય છે. તેના કારણો હજુ સુધી અસ્પષ્ટ છે.

સ્લીપ પૅરાલિસિસની સારવાર માટેનો સૌથી સામાન્ય અભિગમ એ બાબતે દર્દીને માહિતગાર કરવાનો છે. તેમાં દર્દીઓને આ સ્થિતિ પાછળનું વિજ્ઞાન શું છે, તે જણાવવામાં આવે છે અને તેમને ખાતરી આપવામાં આવે છે કે તેમના પર કોઈ જોખમ નથી. ક્યારેક ધ્યાન મારફત ઉપચાર કરવામાં આવે છે. તેનો ઉદ્દેશ દર્દી ઊંઘવા માટે પથારીમાં આડો પડે ત્યારે તેની ચિંતા ઘટાડવાનો અને સ્લીપ પૅરાલિસિસની સ્થિતિ સર્જાય ત્યારે શાંત રહેવાની તાલીમ આપવાનો છે.

વધુ ગંભીર કિસ્સામાં દવાઓ આપવા વિશે વિચારવું પડે. તેમાં ચોક્કસ સેરોટોનિન રીઅપટેક ઇન્હિબિટર્સ (SSRI) નો સમાવેશ થાય છે. SSRIનો ઉપયોગ સામાન્ય રીતે ડિપ્રેશનની સારવાર માટે કરવામાં આવે છે, પરંતુ તેની REM ઊંઘ પર આડઅસર થાય છે.

સ્લીપ પૅરાલિસિસની સૌથી નાટકીય અને યાદગાર ઘટનાઓમાં સામાન્ય રીતે આબેહૂબ આભાસ અનુભવાય છે.

સામાન્ય રીતે નિશાચર કલ્પન ભયનું કારણ બને છે, પરંતુ વિજ્ઞાનીઓ એવું પણ માને છે કે એ સ્થિતિ આપણને માનવમગજ વિશેની અત્યાર સુધી અજાણી રસપ્રદ માહિતી આપી શકે છે.

કેમ ઊંઘ દરમિયાન બિહામણા અનુભવ થાય છે?
વ્યક્તિ સ્લીપ પૅરાલિસિસની સ્થિતિમાં પ્રવેશે ત્યારે તેના મગજનું મોટર કોર્ટેક્સ શરીરને સંકેત મોકલવાનું શરૂ કરે છે.

એ હિલચાલનો સંકેત આપે છે, પરંતુ સ્નાયુઓ લકવાગ્રસ્ત સ્થિતિમાં હોય છે. તેથી મગજને પ્રતિસાદના સંકેત મળતા નથી.

જલાલ કહે છે, “તે વિસંગતિ છે. શરીર ક્ષતિગ્રસ્ત હોય છે. કામ કરી શકતું નથી.” પરિણામે મગજ ખાલી જગ્યા પૂરે છે અને શરીરમાં સ્નાયુ હલનચલન કેમ કરી શકતા નથી એ બાબતે પોતાની સમજૂતી તૈયાર કરે છે. તેથી જ સ્લીપ પૅરાલિસિસના પીડિતોને કોઈ પ્રાણી તેમની છાતી પર બેઠું હોય અથવા કોઈએ તેમના શરીરને જકડી રાખ્યું હોય તેવો આભાસ થાય છે.

તે ઉત્ક્રાંતિ વિજ્ઞાનીઓમાં પ્રચલિત માનવમગજના કથા કહેવાના વિચારને વધુ મજબૂત બનાવે છે.

વિશ્વનો મોટા હિસ્સો અવ્યવસ્થિત છે એ હકીકત આપણે સ્વીકારી શકતા નથી. તેથી આપણું મગજ તેનો ભૌતિક અર્થ શોધવાના પ્રયાસમાં નાટકીય કથાઓ રચે છે.

સંસ્કૃતિ મુજબ અલગ અલગ આભાસ :
લંડન યુનિવર્સિટીના ગોલ્ડસ્મિથ્સ ખાતેના વિસંગતતાવાદી મનોવિજ્ઞાન સંશોધન એકમના વડા ક્રિસ્ટોફર ફ્રેન્ચ આવા આભાસનો અનુભવ કર્યો હોય તેવા લોકો સાથે એક દાયકાથી વધુ સમય સુધી વાતચીત કરી છે અને એ બધું નોંધ્યું છે. ફ્રેન્ચ કહે છે, “બધા કિસ્સામાં ઘણી વાતો સર્વસામાન્ય હોય છે, પરંતુ તેમાં ઘણી બધી વ્યક્તિગત વિશિષ્ટતા અને વૈવિધ્ય પણ હોય છે.”

કેટલાક આભાસ સમજાવવા મુશ્કેલ હોય છે.

આભાસના એવા અનુભવમાં અશુભ ગણાતી કાળી બિલાડી અને છોડ દ્વારા માણસને ગળે ટૂંપો આપવાની વાતો ફ્રેન્ચે નોંધી છે. જોકે, અન્ય અનુભવ વધુ સામાન્ય અને સંસ્કૃતિથી વ્યાપક રીતે પ્રભાવિત હોય તેવું લાગે છે. કૅનેડાના ન્યૂફાઉન્ડલૅન્ડમાં લોકોને તેમની છાતી પર ઘરડી ડાકણ બેઠી હોવાનો અનુભવ સર્વસામાન્ય છે.

મેક્સિકન લોકોને તેમની છાતી પર મડદું પડ્યું હોવાનો અનુભવ થાય છે, જ્યારે સેન્ટ લુસિયન્સમાં લોકો કોકમા એટલે કે ખ્રિસ્તી ધર્મની દીક્ષા ન પામેલાં બાળકોના આત્માનો અનુભવ થાય છે.

તુર્કી લોકો કારાબાસન એટલે કે રહસ્યમય, ભૂતિયા પ્રાણીની વાતો કરે છે. ઇટાલિયનોને ઘણી વાર ડાકણોનો આભાસ થાય છે.

આ બધું પ્રતિપાદિત કરે છે કે માણસ સંસ્કૃતિ તથા અપેક્ષાઓથી વ્યાપક પ્રમાણમાં પ્રભાવિત સામાજિક પ્રાણી છે.

જલાલે ડેન્માર્ક અને ઇજિપ્તમાં સમાન વય તથા લિંગના લોકોમાં જોવા મળેલાં લક્ષણોની તુલના કરી હતી અને સ્લીપ પૅરાલિસિસની બાબતમાં કેવો સાંસ્કૃતિક તફાવત હોય છે તે શોધી કાઢ્યું હતું.

ડેન્માર્કના લોકોની સરખામણીએ ઇજિપ્તવાસીઓમાં સ્લીપ પૅરાલિસિસના અનુભવની શક્યતા વધારે જોવા મળી હતી. ડેન્માર્કના લોકોમાં એ પ્રમાણ 25 ટકા હતું, જ્યારે ઇજિપ્તવાસીઓમાં તે 44 ટકા હતું. તેઓ એ માટે અલૌકિક કારણ આપે તેવી શક્યતા પણ વધારે હતી. જલાલના અભ્યાસનો હિસ્સો બનેલા ઇજિપ્તના સ્વયંસેવકો ભૂતપ્રેતમાં માનતા હતા અને તેમણે સ્લીપ પૅરાલિસિસની સ્થિતિમાં દર વખતે લાંબો સમય વિતાવ્યો હતો.

જલાલ માને છે કે અલૌકિકનો ડર લોકોને સ્લીપ પૅરાલિસિસ પ્રત્યે વધારે ભયભીત બનાવે છે અને તેની ચિંતાને લીધે આવું બનવાની શક્યતા વધે છે.

જલાલ કહે છે, “વ્યક્તિ ચિંતા અને તાણગ્રસ્ત હોય ત્યારે તેની ઊંઘનું તંત્ર વેરવિખેર થઈ જાય છે. તેથી તેમને સ્લીપ પૅરાલિસિસ થવાની શક્યતા વધી જાય છે. અમુક પ્રાણી આવું હોય છે અને તે રાતે આવીને તમારા પર હુમલો કરે છે, એવું તમને તમારા દાદીએ કહ્યું હશે એમ ધારી લો. એ વાતના ડરને કારણે તમે અત્યંત ઉત્તેજિત થઈ જાઓ છો અને તમારા મગજમાંનું ભયનું કેન્દ્ર અતિ સક્રિય થઈ જાય છે. REM સ્લીપ દરમિયાન તમને એવું લાગે છે કે કશુંક ખોટું થઈ રહ્યું છે. હું હલનચલન કરી શકતો નથી. પેલું પ્રાણી આવી પહોંચ્યું છે.”

તેઓ તારણ આપતાં કહે છે, “એવું લાગે છે કે સંસ્કૃતિ ખરેખર આવી અદ્ભુત અસર સર્જી શકે છે.”

──⊱◈✿◈⊰──


અન્ય મહત્વપૂર્ણ લિંક્સ :
સરકારી ભરતીની
જાહેરાતો જોવા
અહીંયા ક્લિક કરો
જાણવા જેવું
(અજબ ગજબ)
અહીંયા ક્લિક કરો
સરકારી
યોજનાઓ
અહીંયા ક્લિક કરો
હેલ્થ કેર
(દેશી ઔષધ) આરોગ્ય
અહીંયા ક્લિક કરો
મોટીવેશનલ
સ્ટોરી
અહીંયા ક્લિક કરો
શૂરવીરોની
વીરગાથાઓ
અહીંયા ક્લિક કરો
બૉલીવુડ
ગપશપ
અહીંયા ક્લિક કરો
રમત ગમતઅહીંયા ક્લિક કરો
આજના
ન્યુઝ પેપર
અહીંયા ક્લિક કરો
આજનું
રાશિ ભવિષ્ય
અહીંયા ક્લિક કરો


──⊱◈✿◈⊰──

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

માત્ર એક વખત કરો રોકાણ અને જીવનભરનું ટેન્શન દૂર, દર મહિને મળશે રૂ.12,388 પેન્શન, LIC ની આ શાનદાર સ્કિમ તમારા માટે ફાયદાકારક

માત્ર એક વખત કરો રોકાણ અને જીવનભરનું ટેન્શન દૂર, દર મહિને મળશે રૂ.12,388 પેન્શન, LIC ની આ શાનદાર સ્કિમ તમારા માટે ફાયદાકારક જો તમે 42 વર્ષની...