સોમવાર, 12 સપ્ટેમ્બર, 2022

ભૂચર મોરીનાં યુદ્ધની વિરગાથા



જામનગરના ઇતિહાસમાં લડાયેલા યુદ્ધોમાં ભૂચરમોરીનું યુદ્ધ વિશેષ જાણીતું છે.

 

ભૂચરમોરીનું મેદાન ધ્રોળથી જોડિયા જતી સડકની પશ્ચિમે આવેલ છે. ધ્રોળથી તેનું અંતર માંડ દોઢથી બે કિલોમીટ૨ હશે.

 

યદુવંશપ્રકાશના કર્તા કવિ માવદાનજીના મત પ્રમાણે ભૂચરમોરી નામનો માલધારી આ ધા૨ ૫૨ રહેતો હોવાથી ધાર અને આસપાસના મેદાનનું આ નામ પડેલું છે. શ્રી શંભુપ્રસાદ દેસાઈ પોતાના ઇતિહાસ ગ્રંથમાં લખે છે કે ભૂચર એ બહુચરનું મૂળ રૂપ છે તે ભૂમિ ઉપર વિચરનાર માતાજીનું નામ છે. અગાઉ અહીં બહુચર મોરીનું મંદિર હોવું જોઈએ અને મુસ્લિમ જમાનામાં તૂટી ગયું હશે. પરંતુ સ્પષ્ટ પ્રમાણના અભાવે ભૂચરમોરી નામ શા કારણે પડયું તે ચોક્કસ કહી શકાય તેમ નથી.

 

ઈ. સ. ૧૫૬૯માં જામનગરની ગાદીએ આવનાર જામ સત્રસાલ યા સતાજી-પહેલા વિચક્ષણ પુરુષ હતા. દિલ્હીના મોગલ શહેનશાહ અકબરનો ખોફ વહોરીને ભાગી છૂટેલા અમદાવાદના બાદશાહ મુઝફ્ફ૨- ત્રીજાને કોઈ રાજા આશ્રય આપવા તૈયાર ન હતો ત્યારે જામ સતાજી- પહેલાએ આશરે આવેલાની રક્ષા કરવાનો પોતાનો ક્ષાત્રધર્મ છે એમ માનીને આ દુઃખી સુલતાનને તેના પરિવાર સહિત બરડા ડુંગરમાં આશ્રય આપ્યો.

 

અકબરે અમદાવાદના સૂબા તરીકે પોતાના દુધભાઈ મીરઝાં અઝીઝ કોકા ખાન આઝમને નીમેલ હતો. આ ખાન આઝમ મુઝફફરની શોધમાં લશ્કર લઈને અમદાવાદથી નીકળ્યો હતો. તેણે વીરમગામ પાસે પડાવ નાખ્યો અને ત્યાંથી નવરોજ ખાન અને સૈયદ કાસિમ નામના સરદારોને બાદશાહ મુઝફફરની તપાસમાં મોકલ્યા. સૌરાષ્ટ્રમાં આવતા આ બંનેને ખબર મળ્યા કે સુલતાન મુઝફ્ફર અને તેનો પરિવાર જામનગરના રાજાના આશ્રયે છે. આથી પ્રથમ મુઝફફ૨ને નવાનગર રાજ્યની હદમાંથી કાઢી મૂકવા જામ સતાજીને લખવામાં આવ્યું. પરંતુ સતાજીએ દાદ દીધી નહિ. તેથી મોગલ સેનાએ જામનગર ઉપર ચડાઈ કરી. ખાન આઝમ પોતે પણ વીરમગામથી પડાવ ઉઠાવી પોતાના સરદારો નવરોજ

જ ખાન તથા સૈયદ કાસિમને આવી મળ્યા. શાહી સૈન્ય હજુ ધ્રોળથી ઘણું દૂર હતું ત્યાં જામ સતાજીએ પોતાનું સૈન્ય આડું ઉતારીને શાહી ફોજ તથા તેના પૂરવઠા કેન્દ્રને અલગ પાડી દીધા.

 

તેવામાં વર્ષાઋતુ બેસી ગઈ અને અવિરત વરસાદ પડવા લાગ્યો. શાહી સેનાએ જ્યાં પડાવ નાખેલો તે સ્થાન નીચાણમાં હતું અને જામની સેના ઉંચાણમાં હતી. ચોમાસું જામ્યું હતું. ચોપાસ કીચડ હતો. શાહી સેના પાસે અનાજના પુરવઠાની તંગી વરતાતી હતી. આસપાસ નિર્જન ભેંકાર ભૂમિ હતી. ક્યાંયથી કશી સહાય મળી શકે તેમ ન હતું. આસપાસના ગામડાંના લોકો આવી પ્રચંડ સેનાઓ જોઈને પોતાના ઘર ખાલી કરી જતા રહ્યા હતા. વરસતા વરસાદમાં પણ જામનગરની સેનાની ટુકડીઓ શાહી સેનાના પડાવ ઉપર ઓચિંતા છાપા મારતી અને હાથી, ઘોડાને ઘાયલ કરી જતી.

 

આવા સંજોગોમાં નિરાશ થયેલા મીરઝાં અઝીઝ કોકાએ સમાધાન સાધી પાછા ચાલ્યા જવાનું પણ વિચાર્યું. પરંતુ સૈયદ કાસિમે એવો ઉપાય બતાવ્યો કે અહીંથી પડાવ ઉઠાવી આપણે સીધા જામનગર ઉપર ચડીએ એટલે જામના સૈન્યને મોરચો બદલવો પડશે. કેટલાક ઇતિહાસકારો એમ લખે છે કે મીરઝાં ખાન નિરાશ થઈ સમાધાન કરવાનું વિચારી રહ્યા હતા તે અરસામાં તેને જામના સૈન્યમાં રહી લડતા જૂનાગઢના દોલતખાન અને કાઠી રાજા લોમા ખુમાણ તરફથી તેઓ બંને આક્રમણ વખતે નોખા પડીને શાહી સેનામાં ભળી જશે તેવો છૂપો સંદેશ મળેલો. ગમે તે બન્યું હોય પરંતુ ખાન અઝીઝે પડાવ ઉઠાવી જામનગરની વાટ લીધી. આ જોઈને જામના સૈન્યે પણ જામનગરને બચાવવા મોર્ચો ઉઠાવી પાછા હટી જામનગર જવાના માર્ગ આડે પડાવ નાખ્યો. આમ બંને સૈન્યો ધ્રોળ પાસેના ભૂચરમોરીના મેદાનમાં સામસામા આવી ગયા.

 

સૈયદ કાસિમની સલાહ કારગર નીવડી કેમ કે શાહી સેના હવે ઉંચાણમાં આવી ગઈ. મિરાંતે સિકંદરીના લેખક મન્ત્, સૈયદ કાસિમની સલાહ અને બહાદુરીની પ્રશંસા કરે છે. જ્યારે મિરાંતે અહેમદીના લેખક અલી મુહમ્મદ ખાન આ યુદ્ધમાં મોરબીના કરણપાલ તથા હળવદના રાયસિંહના પુત્ર ચંદ્રસિંહ વિગેરે ખાન આઝમને આવી મળ્યા અને મદદ કરી એમ જણાવે છે.

 

શાહી સેનામાં સૈયદ કાસિમ આગળની ટુકડીમાં હતો. નવરંગખાન જમણી તરફ હતો. ખ્વાજા મહમદ રફી અને ગુજરખાન ડાબી તરફ હતા. ખાન આઝમ સૌથી મોખરે હતો અને તેનો પુત્ર સેનાના પાછલા ભાગમાં હતો.

 

જામની સેનામાં કુંવર અજોજી, પ્રધાન જસાજી, મહેરામણ ડુંગરાણી, ભાણજી દલ, ડાહ્યો લાડક, નાગડો વજીર અને તોગાજી સોઢા હતા. જામ સતાજી અને મુઝફફર પોતે પણ યુદ્ધમાં ઊતર્યા. જામની મદદે જૂનાગઢનો દોલતખાન અને કાઠી રાજા લોમો ખુમાણ પણ પોતાની સેના લઈને આવેલા. જો કે આ યુદ્ધ જેની હદમાં લડાતું હતું તે ધ્રોળ ઠાકોર હરધોળજી- બીજાને જામ સતાજી સાથે મનદુઃખ હોવાથી તેણેઆ યુદ્ધમાં ભાગ લીધો ન હતો.

 

ભૂચરમોરીના મેદાનમાં બંને સેનાઓ વચ્ચે ભીષણ યુદ્ધ જામ્યું. પ્રથમ તબક્કાના યુદ્ધમાં જામ સતાજીની જીત થઈ, પરંતુ કહે છે કે છેક છેલ્લી ઘડીએ એમની સેના વિજય મેળવવાની અણી પર હતી; ત્યારે દોલતખાન અને લોમો ખુમાણ ફરી ગયા અને પોતાની સેનાઓ તારવીને શાહી સેનામાં ભળી ગયા. તેથી જામની સેનામાં હતાશા છવાઈ ગઈ. આથી જામ સતાજી અને મુઝફ્ફર શહેરનો અને પોતાના પરિવારનો બંદોબસ્ત કરવા પાછા ફર્યા. પિતાને પાછા ફરેલા જોઈ કુંવર અજોજી કે જેના લગ્ન લેવાયા હતાં,  અને હાથે મીંઢળ બાંધેલું હતું. તે ઘોડે ચડ્યાં અને યુદ્ધ મેદાનમાં આવી પહોંચ્યા. કુંવર અજોજી અને પ્રધાન જસાજીએ અપ્રતિમ શૌર્ય દાખવ્યું અને લડતા લડતા વીરગતિ ને પામ્યાં. આ યુદ્ધમાં બંને પક્ષે બહુ મોટો સંહાર થયો. માનવ લાશો અને ઘાયલ સૈનિકોથી આખું મેદાન ભરાઈ ગયું. જામનગરની સેનાના જેશા વજીર, કુંવર અજોજી, મહેરામણ ડુંગરાણી, ભાણજી દલ, ડાહ્યો લાડક, નાગ વજીર અને તોગાજી સોઢા વીરગતિ પામ્યાં. શાહી સેનાના મહમદ રફી, સૈયદ સર્કુદ્દીન, શૈયદ કબીર, સૈયદ અલીખાન વિગેરે ચાલીસેક સરદારો માર્યા ગયા.

 

ઇતિહાસ લેખકો ખુવારીના આંકડા વિષે એકમત નથી. મિરાંતે અહેમદી મુઘલ લશ્કરના બસો માણસો માર્યા ગયાનું અને પાંચસો ઘાયલ થયાનું જણાવે છે. (સકંદરીનો લેખક જામની સેનાના ૧૫૦૦ સૈનિકો કપાયાનું લખે છે. મિરાંતે એહમદી જામનગરની સેનાના ૫૦૦ માણસો મરાયાનું લખે છે. તબક્કાતે અકબરીમાં ચાર હજાર રજપૂતો માર્યા ગયાનું લખેલ છે. આમ ખુવારીની સંખ્યા મુસ્લિમ લેખકો ખરી બાતવતા નથી. મિરાંતે એહમદી સાતસો ઘોડા અને ઘણી લૂંટ ખાનના હાથમાં આવી તેમ લખે છે. મિરાંતે સિકંદરી અને તબક્કાતે અકબરી આ હકીકતને સમર્થન આપે છે.

 

બધા ઇતિહાસ લેખકો એક બાબત સ્પષ્ટ લખે છે કે શાહી સૈન્ય હારવાની અન્ની ઉ૫૨ હતું અને છેક છેલ્લી ઘડીએ અકસ્માત વિજય થયો. આનું કારણ ચર્ચતા 'સૌરાષ્ટ્રનો ઇતિહાસ'ના લેખક રા. રા.ભગવાનલાલ સંપતલાલ લખે છેઃ 'આખર લોમો ખુમાણ અને દોલતખાને બાદશાહી લશ્કરમાં બાતમી રાહે કહેવડાવ્યું કે અમે જામના લશ્કરની હરોળમાં છીએ તેથી જે વખત ભાગવા માંડશું તે વખત જામના લશ્કરનો પગ ઠરી શકશે નહિ. માટે અમો ભાગીએ તે વખતમાં તમારે લશ્કર ઉપર આવી પડવું.' લશ્કરમાં ભંગાણ પડ્યું'.

 

 

સ્વ. રત્નમણિરાવ ભીમરાવ પણ લખે છે કે, “કાઠીઓ તો પહેલેથી જ નાસી ગયા હતા. બે હજાર રજપૂતો રણમાં પડ્યા હતા. આ વિજય ઈ. સ. ૧૫૮૯-૯૦- હિજરી સંવત ૯૯૮, તા.૬ સવાલના રોજ મળ્યો હતો."

 

મિરાંતે સિકંદરી સ્પષ્ટ લખે છે કે, ‘મુઝફ્ફર ખાન -ત્રીજો લડતા લડતા મરણ પામ્યો. વોટસન કહે છેઃ ‘મુઝફ્ફર ખાન લડાઈમાં જખમાયો હતો તે મરી ગયો. એટલે જૂનાગઢ ઈ. સ. ૧૫૯૨માં પાદશાહને હાથ ગયું.'

 

આમ એકંદરે જોતા લાગે છે કે જૂનાગઢનો મુઝફ્ફર ખાન છેવટ સુધી જામની સેનામાં રહી વીરતાપૂર્વક લડચો હતો. પરંતુ લડાઈમાં ઘવાતા તે જૂનાગઢ ભણી ભાગી છૂટેલ અને જૂનાગઢ પહોંચતા મૃત્યુ પામેલ. જ્યારે કાઠી રાજા લોમા ખુમાણ સહિતનો લશ્કરનો એક ભાગ અણીના સમયે નાસી ગયેલ. આમ વિશ્વાસઘાતના કારણે જામનગરની સેનાના હાથમાં આવેલો વિજય છેક છેલ્લી ઘડીએ હાથમાંથી સરી ગયો !

 

તબક્કાતે અકબરીનો લેખક નિઝામુદ્દીન અહમદ લખે છે કે આ યુધ્ધ ઈ. સ. ૧૫૯૨માં લડાયું હતું. પરંતુ તારીખે સોરઠ પ્રમાણે અને નવાનગર રાજ્યના જૂના દફત૨ પ્રમાણે આ યુદ્ધ ઈ. સ. ૧૫૯૧માં લડાયું હતું.

 

આ યુદ્ધના કારણે આસપાસનો મુલક એટલો વેરાન થઈ ગયો હતો કે શાહી

 

લશ્કરને અનાજની ભારે તંગી વેઠવી પડેલી.

 

આમ સૌરાષ્ટ્રમાં થયેલી આ મોટી લડાઈમાં દેખીતી રીતે અકબરના સૈન્યનો વિજય થયો; છતાં ખાન આઝમની એક પણ ઇચ્છા પૂરી થઈ નહિ. ખાન આઝમે મેળવેલો વિજય નામનો જ બની ગયો.

 

વિજયી મોગલ સેના જ્યારે જામનગર તરફ કૂચ કરી રહી હતી ત્યારે કુંવર અજોજીના રાણી સુરજકુંવરબા નો રથ ભૂચરમોરીના મેદાન તરફ જતા સામો મળ્યો. જામ સાથે અબોલા હોવા છતાં કુંવર અજોજીના રાણીને ધ્રોળ ઠાકોરે શાહી સેના સામે રક્ષણ આપેલું. કુંવર અજોજીના રાણી પોતાના પતિનું માથું ખોળામાં મૂકીને ચિતા રચી સતી થયા.

 

મીરાં અઝીઝ કોકાએ સેના સાથે જામનગરમાં વિજય પ્રવેશ કર્યો. વિજેતા લશ્કરના સૈનિકોએ નગરમાં બેફામ લૂંટ ચલાવી. મીરઝાં અઝીઝ કોકાએ નગર ઉપર શાહી વાવટો ફરકાવ્યો. જામનું કુટુંબ બીજી સલામત જગ્યાએ ચાલ્યું ગયું હતું. આમ ખાન મીરઝા અઝીઝ કોકાના હાથમાં આવડું મોટું યુદ્ધ લડવા પછી કશું આવ્યું નહિ. શાહી સેનાએ જામનગરમાં રાજના નોકરોને કેદ કર્યા. બીજા દિવસે નવરંગખાન, સૈયદ કાસિમ અને ગુજરખાનને લશ્કર આપી જૂનાગઢ તરફ મુઝફફરનો પીછો કરવા ખાન મીરાઝા એ મોકલ્યા.

 

આ યુદ્ધ અનેક પ્રકારે વિશિષ્ટ ગણાય છે. એક મુસલમાન સુલતાન માટે એક હિન્દુ રાજાની સેના મુસ્લિમ શાહી સેના સામે લડી. વળી જેના માટે આવડું મોટું યુદ્ધ લડાયું તે મુઝફ્ફર તો હાથ ન જ આવ્યો. મોગલ બાદશાહ અકબરની મહાન સલ્તનતને જામનગર જેવા નાના રાજ્યે લડી લેવા માટે ખુલ્લો પડકાર ફેંક્યો અને હાથોહાથના યુદ્ધમાં ઉતરવાની હામ ભીડી. શરણાગતને કોઈપણ ભોગે રક્ષવાની રાજપૂત પરંપરાને જાળવી રાખવાનો આવડો જબરો પુરુષાર્થ ઇતિહાસના પાને મળવો મુશ્કેલ છે. ભૂચરમોરી એ જામનગરના ઇતિહાસનું ગૌરવભર્યું પ્રકરણ છે.

 

ધ્રોળથી વાયવ્ય ખૂણામાં આશરે એકાદ માઇલ દૂર આવેલી ભૂચરમોરી નામની ધારવાળા વિશાળ મેદાનમાં આ યુદ્ધ ખેલાયું હતું. અહીં જામ વિભાએ બંધાવેલી ડેરી છે. ડેરીમાં કુંવર અજાજીનો પાળિયો છે. પાસે તેની પાછળ સતી થયેલ રાણીની ખાંભી છે. ડેરીની દીવાલ પર કુંવર અજોજી સૂબાના હાથી પર ઘોડો કૂદાવી હૂમલો કરે છે તેવું ચિત્ર છે. અજાજીની ડેરીની ઉત્તરે આઠ પાળિયા છે. તે પૈકી ડેરી પાસેનો પ્રથમ પાળિયો જામ સતાજીના પાંસઠ વર્ષના બુઝુર્ગ દીવાન સેનાપતિ જેસા વજીરનો કહેવામાં આવે છે. ડેરીની દક્ષિણે છ પાળિયા છે તે ખંડિત સ્થિતિમાં છે તે પછી બે પાળિયા અલગ ઊભા છે. તેમાં એક પગપાળા ઊભેલા સૈનિકનો છે. પાળિયાના લખાણ વંચાતા નથી. બે-ત્રણ પાળિયામાં સંવત વંચાય છે. અજાજીની ડેરી સામે પાંચ અણધડ પથ્થર ખોડેલા છે તે નાગડો વજીર અને તેના સાથી નાગાબાવાના હોવાનું કહેવાય છે. અજાજીની ડેરીથી દક્ષિણે ભૂતનાથ મહાદેવની ડેરી છે અને તેની પાસે રાધાકૃષ્ણનો ઓરડો છે.

 

ડેરીથી નૈઋત્ય ખૂણામાં ઊંચા ઓટા પર આઠેક કબરો છે. તે શાહી સેનાના સરદારોની છે. આ વિશાળ ઓટા નીચે બધા મુસલમાન સૈનિકોને દફન કર્યા હોવાનું મનાય છે.

 

આ ભૂમિ જોતાં જ ભેંકાર ભાસે છે અને આપણા મનમાં એ ભીષણ રક્તપાતનું ચિત્ર ખડું કરી દે છે, આ મેદાનમાં આજ પણ શ્રાવણ વદ તેરસ, ચૌદસ અને અમાસ એમ ત્રણ દિવસ સુધી મેળો ભરાય છે. મેળામાં લોકો પાળિયાને પૂજે છે અને નાળિયેર વધેરે છે.

 

આ સ્થળનો જીર્ણોદ્વાર જામ વિભાજી- બીજાએ સંવત ૧૯૧૪માં કરાવેલ છે અને અજાજીના પાળિયાના સ્થળે સુંદર ડેરી ચણાવી છે. તેમાં નીચેનું કાવ્ય શિલાલેખમાં કોતરાવ્યું છે.

 

સંવત સોળ અડતાળમેં શ્રાવણ માસ ઉદાર,

જામ અજો સૂર પુ૨ ગયાવદ સાતમ બુધવાર.

ઓગણીસૈં ચૌદહપરા વિભો જામ વિચાર,

મહા માસ સુદ પંચમી કીનો જીર્ણોદ્વાર.

જેસો ડાહ્યો નાગડો મહેરામણ દલ ભાણ,

અજમલ ભેળા આવટે પાંચે જોધ્ધ પ્રમાણ.

આજમ કોકો મારીઓ સૂબો પતસાઈ, દળ કેતા ગારત કરે રણઘણ જંગ રચાઈ.

 

*કુંવર અજોજી શ્રાવણ વદ ૭ના વીરગતિ પામ્યાં હોવાથી જામનગરની પ્રજાએ આ વીરના માનમાં સાતમનો તહેવાર ઉજવવાનું બંધ કરી દીધું. અંતે જામ રણમલ બીજાને ત્યાં પાટવી કુંવર બાપુભાનો જન્મ શ્રાવણ વદ સાતમના રોજ થતા રાજમાતા આછુબાએ ઉત્સવ ઉજવવા લોકોને વિનંતી કરતા શ્રાવણ વદ ૭નો મેળો ભરાવા લાગ્યો અને લોકો ઉત્સવ ઉજવવા લાગ્યા. આમ નવાનગરની જનતાએ પોતાના આ વીર પુરુષની યાદમાં લગભગ અઢીસો વર્ષ સુધી સાતમનો તહેવાર ઉજવેલો નહીં.*

 

હલદીઘાટીના મેદાનની જેમ વીરોને પ્રેરણા આપતું આ ભૂચરમોરીનું મેદાન નગરની જનતા માટે તીર્થસમું છે. દાંપત્ય ભોગવ્યા વિના લગ્ન ટાણે જ સતી થયેલી નવોઢા રાણી સૂરજકુંવરબાની જીવનકથાના કારુણ્યથી આખું મેદાન છલોછલ ભર્યું છે. કહે છે કે ભારે રક્તપાતના કારણે મેદાનની ધૂળની લાલાશ હજુ પણ ગઈ નથી.

 

ભૂચરમોરીનું યુદ્ધ નવલકથાનો વિષય પણ બન્યું છે. આ યુદ્ધનું એક વિશાળ ફલકપરનું સુંદર ચિત્ર લાખોટા સંગ્રહસ્થાનમાં રાખવામાં આવ્યું છે. આ ચિત્ર જામનગરના ચિત્રકાર કડીયા માધા કચરાએ સંવત ૧૯૪૬માં બનાવ્યું છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

માત્ર એક વખત કરો રોકાણ અને જીવનભરનું ટેન્શન દૂર, દર મહિને મળશે રૂ.12,388 પેન્શન, LIC ની આ શાનદાર સ્કિમ તમારા માટે ફાયદાકારક

માત્ર એક વખત કરો રોકાણ અને જીવનભરનું ટેન્શન દૂર, દર મહિને મળશે રૂ.12,388 પેન્શન, LIC ની આ શાનદાર સ્કિમ તમારા માટે ફાયદાકારક જો તમે 42 વર્ષની...