મહારાષ્ટ્રના સોલાપુરમાં આવેલા અકલુજ વિસ્તારમાં એક યુવકે એક જ મંડપમાં બે જોડિયા બહેનો સાથે લગ્ન કર્યા છે. આ લગ્નની તસવીરો અને વીડિયો હાલમાં ઘણા વાયરલ થઈ રહ્યા છે.
ટીવી, સોશિયલ મીડિયા પર તેની તસવીરો અને વીડિયો જોવા મળી રહ્યા છે. ઘણા લોકો એવા પણ પ્રશ્નો ઉઠાવી રહ્યા છે કે શું ભારતમાં બે લગ્ન કરવા શક્ય છે, શું બે લગ્નોને કાયદાકીય માન્યતા છે?
કેવી રીતે થયાં લગ્ન?
આ લગ્ન કેવી રીતે સંપન્ન થયાં તેની જાણકારી અકલુજ પોલીસમથકના અરુણ સુગાવકરે આપી.
તેમણે કહ્યું, “મુંબઈની જોડિયા બહેનો પિંકી અને રિંકીના લગ્ન અતુલ સાથે થયા છે. જોડિયા હોવાને કારણે બંને એકબીજા જેવા દેખાય છે. તેમણે બાળપણથી જ સાથે લગ્ન કરવાનો અને એક જ ઘરમાં રહેવાનો નિર્ણય લીધો હતો.”
સુગાવકરે આગળ કહ્યું, ”બંનેએ પહેલેથી એક જ યુવક સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો અને તેમના પરિવારે લગ્નને મંજૂરી પણ આપી હતી.”
લગ્ન સોલાપુર જિલ્લાના અકલુજમાં જામાપુર રોડ પર આવેલી ગલાંડે હૉટલમાં થયા હતા.
અતુલનું પૈતૃક ગામ મલશીરાસ છે. તેમનો મુંબઈમાં ટ્રાવેલનો બિઝનેસ છે. તો રિંકી અને પિંકી આઈટી ઍન્જિનિયર છે. બંને પોતાની માતા સાથે રહેતા હતા ત્યારે જ અતુલની તેમની સાથે ઓળખાણ થઈ હતી.
સમય જતાં આ ઓળખાણ પ્રેમમાં પરીણમી. એક વખત જ્યારે પડગાંવકર પરિવારના માતા અને બંને પુત્રીઓ બીમાર પડી તો અતુલ તેમને હૉસ્પિટલ લઈ જતા હતા. આ બીમારી દરમિયાન અતુલે પરિવારની સારસંભાળ રાખી અને તેમની વચ્ચેનો સંબંધ ઘનિષ્ઠ થતો ગયો હતો.
'અમારી મરજીથી કરીએ છીએ લગ્ન'
લગ્નની પુષ્ટિ કરવા માટે બીબીસી મરાઠીએ અકલુજમાં જે હૉટલમાં લગ્ન થયા હતા, તેનો માલિક નાના ગલાંડેનો સંપર્ક કર્યો હતો.
નાના ગલાંડેએ પુષ્ટિ કરી કે તે લગ્ન તેમની હૉટલમાં જ થયા હતા અને સાથે કહ્યું, “બીજી ડિસેમ્બરે બપોરે અમારા હૉટલમાં આ લગ્ન યોજાયાં હતા. લગ્ન યોજવા જ્યારે તેમણે અમારો સંપર્ક કર્યો તો અમે ખુદ ચોંકી ઊઠ્યા હતા.”
“લગ્ન વિશે મેં ખુદ તે બંને છોકરીઓ સાથે વાત કરી હતી. બંને ભણેલી-ગણેલી છે અને તેમણે સભાન અવસ્થામાં લગ્ન કરવાનો નિર્ણય લીધો છે.“
તેમણે આગળ કહ્યું, “અંતે એ સુનિશ્ચિત કર્યા બાદ કે તેઓ તૈયાર છે, મેં તેમણે પોતાના તમામ પુરાવા મારી સમક્ષ રજૂ કર્યા. બાદમાં જ હૉટલમાં લગ્ન થવા દેવામાં આવ્યા હતા.”
પોલીસ ફરિયાદ પણ નોંધાઈ
આ લગ્ન બાદ સોશિયલ મીડિયા પર જાતજાતના રિઍક્શન જોવા મળ્યા અને એક યુવકે તો આ અંગે અકલુજ પોલીસમથકમાં ફરિયાદ પણ નોંધાવી હતી. અકલુજ પોલીસ મથકના પોલીસ અધિકારી અરુણ સુગાવકરે આ અંગે માહિતી આપી હતી.
અતુલ ઉત્તમ અવતાડેએ બીજી ડિસેમ્બરે અકલુજમાં જોડિયા બહેનો રિંકી અને પિંકી મિલિંદ પડગાંવકર સાથે લગ્ન કર્યા હતા. રાહુલ ફૂલે નામના એક વ્યક્તિએ ભારતીય દંડ સંહિતાની કલમ 494 અંતર્ગત ફરિયાદ નોંધાવી હતી.
શું આ મામલે આગળ તપાસ કરવામાં આવશે? આ પ્રશ્નના જવાબમાં અરુણ સુગાવકરે કહ્યું કે “અમે આ મામલાની તપાસ કરી જ રહ્યા છીએ. બાદમાં જ આ મામલે કોઈ ટિપ્પણી કરવી યોગ્ય રહેશે.”
બીબીસી મરાઠીએ જોડિયા બહેનો સાથે લગ્ન કરનારા અતુલ અવતાદેનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો પણ અત્યાર સુધી સંપર્ક થઈ શક્યો નથી. સંપર્ક થયા બાદ અહેવાલમાં અપડેટ કરવામાં આવશે.
કાયદો શું કહે છે?
ભારતીય દંડ સંહિતાની કલમ 494 અનુસાર પતિ કે પત્ની જીવિત હોય ત્યાં સુધી બીજું લગ્ન કરી શકાય નહીં. જો પતિ કે પત્ની જીવિત હોય અને બીજા લગ્ન કરવામાં આવે તો તે લગ્નને કાયદાકીય માન્યતા મળતી નથી. આ પ્રકારના કિસ્સામાં સાત વર્ષની કેદ અને દંડની જોગવાઈ છે.
બીબીસી મરાઠીએ ‘પ્રિવેન્શન ઑફ બાયગેમી ઍક્ટ’ વિશે અહેવાલ પ્રકાશિત કર્યો હતો. જેમાં ઍડવોકેટ દિલીપ તૌરે જણાવ્યું હતું કે “પ્રિવેન્શન ઑફ હિંદુ બાયગેમસ મૅરેજિસ ઍક્ટ 1946” કાયદા અંતર્ગત હિંદુ પુરુષ પ્રથમ પત્નીને ડિવોર્સ આપ્યા વગર બીજી પત્ની રાખી શકે નહીં. આ જ રીતે શીખ, ઈસાઈ, પારસી અને જૈનીઝમમાં પણ કાયદો છે.
અકલુજનો આ કેસ સમજવા માટે બીબીસી મરાઠીએ સીનિયર વકીલ અસીમ સરોડેને સંપર્ક કર્યો હતો.
તેમના કહેવા પ્રમાણે, જો બંને પત્નીઓ હળીમળીને સાથે રહેવા તૈયાર હોય તો તે કોઈ ગુનો નથી.
તેમણે કહ્યું, “બાયગેમી અંગે ભારતમાં કાયદો તો છે. પણ જો બંને પત્નીઓ તેમની મરજીથી હળીમળીને રહેવા તૈયાર હોય તો તે ગુનો નથી. આ બાબતે અન્ય કોઈ હસ્તક્ષેપ પણ ન કરી શકે.”
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો