શુક્રવાર, 21 એપ્રિલ, 2023

જન્મતારીખની ભૂલને લીધે ફાંસીની સજા મેળવનાર એ વ્યક્તિની કહાણી જેણે 28 વર્ષ જેલમાં ગાળ્યાં.

25 વર્ષ પહેલાં એક કિશોર વયના છોકરાને પુખ્ત વયની વ્યક્તિની હત્યા માટે મૃત્યુદંડની સજા ખોટી રીતે કરવામાં આવી હતી. ઘટના બની ત્યારે એ છોકરો કિશોર વયનો હોવાની પુષ્ટિ કર્યા પછી ગયા માર્ચમાં સુપ્રીમ કોર્ટે તેને મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો.
જેલમાં વર્ષો સજા ભોગવનાર એ કિશોર હવે 41 વર્ષનો થઈ ગયો છે. તેમને મળવા બીબીસી સંવાદદાતા રાજસ્થાનના જબાલસર પહોંચ્યા હતા.

મહારાષ્ટ્રના નાગપુરની જેલના કેદી નિરાનારામ ચેતનરામ ચૌધરીને મૃત્યુદંડની સજામાંથી મુક્ત થયાને એક સપ્તાહથી થોડો વધુ સમય થયો છે.

તેમણે તેમના જીવનનાં 28 વર્ષ, છ મહિના અને 23 દિવસ 12 ફૂટ બાય 10 ફૂટની મહત્તમ સલામતી ધરાવતી જેલની કોટડીમાં વિતાવ્યા.

જેલમાં વિતાવેલા કુલ 10,431 દિવસ તેમણે પુસ્તકો વાંચીને, પરીક્ષાઓ આપીને તથા પોતે 18 વર્ષના થયા એ પહેલાં દોષિત ગણીને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હોવાનું પુરવાર કરવામાં પસાર કર્યા હતા.

મહારાષ્ટ્રના પૂણેમાં 1994માં પાંચ મહિલા તથા બે બાળકોની હત્યા બાદ નિરાનારામને મોતની સજા કરવામાં આવી હતી.

રાજસ્થાનમાં તેમના ગામના બે અન્ય પુરુષો સાથે નિરાનારામની ધરપકડ કરવામાં આવી હતી. 1998માં તેઓ 20 વર્ષના હોવાનું ધારીને તેમને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી.

ત્રણ અદાલત, સંખ્યાબંધ સુનાવણી, બદલાતા કાયદા, અપીલો, દયાની અરજી, વય નિર્ધારણ પરીક્ષણો અને તેમની જન્મતારીખના દસ્તાવેજ સહિતની ત્રણ દાયકા લાંબી નિરાનારામની ત્રણ દાયકા લાંબી અગ્નિપરીક્ષા પર સર્વોચ્ચ અદાલતે માર્ચમાં આખરે પૂર્ણવિરામ મૂક્યું હતું.

ન્યાયાધીશોએ એવું તારણ કાઢ્યું હતું કે ગુનાના સમયે નિરાનારામ 12 વર્ષ અને છ માસની વયના એટલે કે કિશોર વયના હતા. (ભારતીય કાયદા મુજબ, કિશોર વયની વ્યક્તિને મૃત્યુદંડની સજા આપી શકાતી નથી. તમામ ગુનાઓ માટે મહત્તમ ત્રણ વર્ષની સજાની જોગવાઈ છે)

તેનાં બધાં કારણો સંપૂર્ણપણે સ્પષ્ટ નથી. નિરાનારામની ધરપકડ કરવામાં આવી ત્યારે પોલીસે તેમની ઉંમર અને નામ ખોટાં નોંધ્યાં હતાં.

ધરપકડ વખતે પોલીસે તૈયાર કરેલા મેમોમાં તેમનું નામ નારાયણ લખવામાં આવ્યું હતું. નિરાનારામની ખોટી ઉંમર ક્યારે નોંધવામાં આવી તે કોઈ જાણતું નથી.

દિલ્હીની નેશનલ લૉ યુનિવર્સિટીના ફોજદારી ન્યાય કાર્યક્રમના પ્રોજેક્ટ 39એ સાથે સંકળાયેલાં શ્રેયા રસ્તોગીએ કહ્યું હતું કે “નિરાનારામની ધરપકડનો રેકૉર્ડ બહુ જૂનો છે. ખટલાના મૂળ દસ્તાવેજો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યા જ ન હતા.”

આશ્ચર્યજનક વાત એ છે કે નિરાનારામની જન્મતારીખમાં ભૂલ અને તેઓ કિશોર વયના હોવાનો મુદ્દો અદાલતો, ફરિયાદ પક્ષના વકીલો અને બચાવ પક્ષના વકીલોએ 2018 સુધી ઉઠાવ્યો જ ન હતો.

જન્મતારીખનો દાખલો ન હોવાનો અર્થ એ છે કે ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં ઘણા ભારતીયો તેમની જન્મતારીખથી અજાણ હોય છે અને નિરાનારામ એ પૈકીના એક હતા.

નિરાનારામ બચી ગયા, કારણ કે તેમના ગામની જૂની શાળાના રજિસ્ટરમાં તેમની જન્મતારીખ 1 ફેબ્રુઆરી, 1982 હોવાનું જણાવતી એક એન્ટ્રી હતી. શાળામાં જોડાયા અને શાળા છોડ્યાની તારીખ સાથેનું ટ્રાન્સફર સર્ટિફિકેટ તેમજ ગ્રામ પંચાયતના વડાની સહીવાળું સર્ટિફિકેટ પણ હતું, જેમાં જણાવવામાં આવ્યું હતું કે નારાયણ અને નિરાનારામ એક જ વ્યક્તિ છે.

શ્રેયા રસ્તોગીએ કહ્યું હતું કે “સમગ્ર વ્યવસ્થા નિષ્ફળ રહી છે. ફરિયાદ પક્ષ, બચાવ પક્ષના વકીલો અને તપાસકર્તાઓ અને અદાલત એ ચકાસવામાં નિષ્ફળ રહી હતી કે ઘટના સમયે નિરાનારામની ઉંમર કેટલી હતી.”

રેતાળ, ઝાડીઓ અને સૂકાયેલાં વૃક્ષોવાળા પ્રદેશમાંથી પસાર થઈને ગયા સપ્તાહે અમે રાજસ્થાનના બિકાનેર જિલ્લામાંનાં 600 ઘર તથા 3,000 લોકોની વસતી ધરાવતા જબાલસર ગામમાં પહોંચ્યા હતા.

ખેડૂત પિતા અને ગૃહિણી માતાને ત્યાં જન્મેલા નિરાનારામ જેલમાંથી પાછા આવ્યા બાદ ત્યાં તેમના ચાર ભાઈ, તેમનાં પત્નીઓ તથા એક ડઝનથી વધારે ભત્રીજાઓના વિશાળ પરિવાર સાથે રહે છે.

સતત વિસ્તરતા રેતીના ઢૂવા અને છૂટાંછવાયાં ખેતરોની સામે આવેલું એ ગામ પ્રમાણમાં સમૃદ્ધ જણાતું હતું.

શાંત અને અર્ધ-નિર્જન કહી શકાય તેવી શેરીઓમાં સૅટેલાઇડ ડીશ અને પાણીની ટાંકીવાળાં ઘરો જોઈ શકાતાં હતાં.

સ્થાનિક શાળાની દીવાલો પર, જેમણે પૈસા અને સામગ્રીનું દાન કર્યું હતું એ દાતાઓનાં નામ લખેલાં હતાં.

ઊંચા કદના નિરાનારામે મને કહ્યું હતું કે “મારી સાથે આવું કેમ થયું? એક સાધારણ ભૂલને કારણે મેં મારા જીવનનો મહત્ત્વનો તબક્કો ગુમાવી દીધો. તેની ભરપાઈ કોણ કરશે?” આ ભૂલ માટે સરકારે કોઈ વળતર આપ્યું નથી.

કેવું હતું સજા અગાઉનું જીવન?
( નિરાનારામે 28 વર્ષ જેલમાં વિતાવ્યા )
નિરાનારામ અને એક સહ-આરોપીને (જે જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે) 1998માં સજા ફરમાવતા કોર્ટે કહ્યું હતું કે “આ અતિ દુર્લભ કેસ છે.”

પૂણેમાં 1994ની 26 ઑગસ્ટે એક પરિવારના સાત સભ્યોની લૂંટના ઇરાદે છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી.

પીડિત પરિવારના જણાવ્યા મુજબ, આરોપીઓ પૈકીનો એક માણસ તેમની શહેરમાં આવેલી દુકાનમાં કામ કરતો હતો અને હત્યાના એક સપ્તાહ પહેલાં જ તેણે નોકરી છોડી દીધી હતી. (બાદમાં તે માણસ ફરિયાદ પક્ષનો સાહેદ બન્યો હતો અને તેને મુક્ત કરવામાં આવ્યો હતો)

કિશોર વયના નિરાનારામ સહિતના અન્ય બે આરોપીનો પીડિત પરિવારને કોઈ પરિચય ન હતો. પીડિત પરિવારના સંતપ્ત સભ્ય સંજય રાઠીએ 2015માં ઈન્ડિયન એક્સપ્રેસ અખબારને કહ્યું હતું કે “તેમનો હેતુ લૂંટનો જ હતો તો તેમણે પરિવારના બધા સભ્યોની હત્યા શા માટે કરી?”

નિરાનારામે મને જણાવ્યું હતું કે ગામમાં ત્રીજા ધોરણ સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી તેઓ ઘરેથી ભાગી ગયા હતા.

મેં પૂછ્યું, તમે શા માટે ભાગી ગયા હતા?

નિરાનારામે કહ્યું હતું કે “મને યાદ નથી. હું કોની સાથે ભાગ્યો હતો એ પણ યાદ નથી. હું પૂણે પહોંચ્યો હતો અને ત્યાં દરજીની એક દુકાનમાં કામ કરતો હતો.”

નિરાનારામ ઘરેથી શા માટે ભાગી ગયા હતા એ તેમના એકેય ભાઈને પણ યાદ નથી.

હત્યા શા માટે કરવામાં આવી હતી?

નિરાનારામે કહ્યું હતું કે “મને એ ગુના બાબતે પણ કશું યાદ નથી. મને પોલીસે શા માટે પકડ્યો હતો તે હું જાણતો નથી. મને એટલું યાદ છે કે ધરપકડ પછી મને માર મારવામાં આવ્યો હતો. મેં પોલીસને પૂછ્યું કે આમ શા માટે કરો છો ત્યારે તેમણે મરાઠીમાં કશુંક કહ્યું હતું, જે હું ત્યારે સમજી શક્યો ન હતો.”

તેમણે ગુનાની કબૂલાત કરી હતી?
નિરાનારામે કહ્યું હતું કે “મને યાદ નથી, પણ પોલીસે ઘણા બધા કાગળ પર સહી કરાવી હતી. હું નાનો છોકરો હતો. લાગે છે કે મને ખોટી રીતે ફસાવવામાં આવ્યો હતો.”

મેં સવાલ કર્યો કે તમે ગુનો કર્યાનું નકારી કાઢો છો?

નિરાનારામે કહ્યું હતું કે “હું ગુનાનો સ્વીકાર કે અસ્વીકાર કરતો નથી. મને બધું બરાબર યાદ આવશે તો હું વધુ કહી શકીશ. મને ભૂતકાળનું કશું યાદ નથી.”

ગયા મહિને નિરાનારામને મુક્ત કરતી વખતે સુપ્રીમ કોર્ટને પણ વિચાર આવ્યો હતો કે બાર વર્ષનો છોકરો “આવો ભયંકર અપરાધ” કરી શકે?

ન્યાયમૂર્તિઓએ કહ્યું હતું કે “આ બાબતથી અમને આંચકો લાગ્યો છે, પરંતુ ન્યાયપ્રક્રિયાના સંદર્ભમાં અમે આ પ્રકારનું અનુમાન કરી શકીએ નહીં. આ બાબતને ધ્યાનમાં લેવા માટે જરૂરી બાળ મનોવિજ્ઞાન કે અપરાધશાસ્ત્ર વિશે અમે કશું જાણતા નથી.”

સફેદ શર્ટ અને આછા બદામી રંગનું પેન્ટ પહેરીને જમીન પર બેઠેલા નિરાનારામે કહ્યું હતું કે “ગુંડાગીરી કરતા કેદીઓ અને જેલના કર્મચારીઓ” સિવાય જેલના પ્રારંભિક દિવસો બાબતે મને બહુ ઓછુ યાદ છે. તેમને એટલું જરૂર યાદ છે કે નાગપુર જેલમાં તેમનો કેદી નંબર 7,432 હતો અને તેમણે પૂણે જેલમાં પણ કેટલોક સમય ગાળ્યો હતો.

નિરાનારામના જણાવ્યા મુજબ, તેમને સાથી કેદીઓ સાથે દોસ્તી થઈ ન હતી, કારણ કે “તેઓ ભયભીત હતા.”

તેમણે ખુદને શિક્ષિત કરીને એકલતા સામે લડવાનો નિર્ણય કર્યો હતો. તેમણે સાંકડી તથા ભેજવાળી જેલ કોટડીમાં સતત અભ્યાસ કર્યો હતો, પરીક્ષાઓ આપી હતી અને શાળાનું શિક્ષણ પૂર્ણ કર્યું હતું.

તેમણે સમાજશાસ્ત્રમાં સ્નાતકની ડિગ્રી લીધી હતી અને તેમને મુક્ત કરવામાં આવ્યા ત્યારે તેઓ પોલિટિકલ સાયન્સમાં ગ્રેજ્યુએશનની તૈયારી કરી રહ્યા હતા.

કોઈ દિવસે મુક્તિ મળશે તો સમગ્ર દેશમાં ભ્રમણનો વિચાર તેમણે કર્યો હતો.

તેથી નિરાનારામે ટૂરિઝમ સ્ટડીઝનો છ માસનો કોર્સ કર્યો હતો.

તેમણે ગાંધી વિચારો વિશેનો કોર્સ પણ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે “જેલમાં પુસ્તકો તમારા શ્રેષ્ઠ મિત્ર હોય છે."
તેમણે જેલમાં મોટા પ્રમાણમાં વાચન કર્યું હતું. ગાંધીજીનાં લખાણો, ચેતન ભગત તથા દુર્જોય દત્તા જેવા લોકપ્રિય ભારતીય લેખકોનાં પુસ્તકો અને સિડની શેલ્ડનની રોમાંચ કથાઓ પણ વાંચી હતી. તેમણે ફ્યોદોર દોસ્તોવ્સ્કીના પુસ્તક ‘ક્રાઈમ એન્ડ પનિશમેન્ટ’નો આનંદ માણ્યો હતો. તેમની ફેવરિટ નવલકથા જોન ગ્રીશમની ‘ધ કન્ફેશન’ છે. તે ક્રાઈમ થ્રિલરમાં નિરાનારામને પોતાના ભાગ્યનું પ્રતિબિંબ દેખાયું હતું.

નિરાનારામે જણાવ્યું હતું કે બહારની દુનિયા સાથે તેમનો એકમાત્ર સંપર્ક કેટલાંક અંગ્રેજી અખબારો હતાં.

તેઓ એ અખબારો પહેલાંથી છેલ્લા પાના સુધી વાંચતા હતા અને એ પૈકીના એકમાં તેમણે વિન ડીઝલનો ફોટોગ્રાફ જોયો ત્યારે માથું મુંડાવી નાખ્યું હતું. તેમણે યુક્રેન યુદ્ધ વિશે પણ વાંચ્યું હતું.

નિરાનારામે જેલમાંથી શ્રેયા રસ્તોગીને લખેલા પત્રમાં જણાવ્યું હતું, “તે દર્શાવે છે કે દુનિયા આજે વૈશ્વિક સ્તરે સ્વીકાર્ય નેતાગીરીના અભાવનો સામનો કરી રહી છે, જે બંને દેશ મંત્રણા માટે એક મંચ પર લાવી શકે”.

તેમણે કહ્યું હતું કે “આપણે વાંચીએ અને લખીએ તેમ છતાં કંટાળો પણ આવે.”

એ પછી નિરાનારામે ભાષાઓ શીખવાનું શરૂ કર્યું હતું. તેમણે મરાઠી, હિન્દી તથા પંજાબી ભાષા શીખી અને મલયાલમ શીખવાની તૈયારી કરી, પરંતુ એ બધામાં તેમની પોતાની, રાજસ્થાનમાં બોલાતી માતૃભાષા બોલવાનું ભૂલી ગયા.

લાંબા સમયથી પરિવારથી દૂર થયેલો પુત્ર ઘરે પાછો આવવાનો હતો તેની આગલી રાતે નિરાનારામનાં 70 વર્ષનાં માતા ભાડાના પિકઅપ ટ્રકમાં મોટા સ્પીકર્સમાંથી વગાડવામાં આવતા ડીજે સંગીતના તાલે નૃત્ય કરીને ઉજવણીમાં જોડાયાં હતાં.

અન્નીદેવી નિરાનારામને રૂબરૂ મળ્યાં ત્યારે તેમની આંખમાંથી અશ્રુની ધારા વહેવા લાગી હતી. બન્ને એ સમજી શક્યા ન હતા કે સામેની વ્યક્તિ શું કહી રહી છે. (નિરાનારામના પિતા 2019માં મૃત્યુ પામ્યા હતા).

નિરાનારામનું કહેવું હતું કે “અમે માત્ર એકમેકની સામે જોતા રહ્યાં હતાં. મારાં માતા ઘણાં બદલાઈ ગયાં હતાં.”

‘ભારત કેટલું બદલાઈ ગયું’
( પોતાના પરિવાર સાથે નિરાનારામ )
નિરાનારામ માર્ચના અંતમાં જેલમાંથી બહાર નીકળ્યા ત્યારે તેમને અહેસાસ થયો હતો કે “ભારત કેટલું બદલાઈ ગયું છે.”

તેમણે સ્મિત કરતાં કહ્યું હતું કે “રસ્તા પર નવી કાર હતી, લોકોએ સ્ટાઇલિશ કપડાં પહેર્યાં હતાં. રસ્તાઓ સારા હતા. યુવાનો હાયાબુસા બાઇક ઝડપભેર હંકારતા હતા. મને એમ હતું કે તે બાઇક તો માત્ર ફિલ્મસ્ટાર્સને જ પરવડી શકે. ભારત ઘણું બદલાઈ ગયું.”

ઘરે પાછા ફર્યા પછી લોકો સાથે હળવા મળવામાં ભાષા નિરાનારામ માટે મુખ્ય નડતર બની હતી.

તેઓ મરાઠી, અંગ્રેજી અને હિન્દી બોલે છે, પરંતુ તેમના પરિવારજનો કે અન્ય ગ્રામજનો મરાઠી કે અંગ્રેજી સમજી શકતા નથી અને હિન્દી સમજવામાં તેમને મુશ્કેલી પડે છે.

માતા અને દીકરો દરરોજ એકમેકને જોવામાં તથા અનુવાદક મારફત વાતચીત કરવામાં થોડો સમય પસાર કરે છે. અનુવાદકનું કામ હિન્દી ભાષા સમજતો તેમનો ભત્રીજો કરે છે.

નિરાનારામે કહ્યું હતું કે “હું મારા જ ઘરમાં અજાણી વ્યક્તિ હોવાનું અનુભવું છું.”
( પરિવારના બાળકો સાથે નિરાનારામ )
બહાર જવું અને લોકો સાથે વાતચીત કરવી એ બીજી સમસ્યા છે.

નિરાનારામે કહ્યું હતું કે "મને જાહેર સ્થળે લોકો સાથે હળતાં મળતાં કાયમ ડર લાગે છે. હું જેલ અને નાની જગ્યામાં રહેવા ટેવાઈ ગયો છું. મૃત્યુદંડની સજાની એકલતા વ્યક્તિને સામાજિક રીતે અયોગ્ય બનાવી દે છે. મારે સાવધ રહેવું પડશે. એક મુક્ત વ્યક્તિ તરીકે જીવન જીવતાં ફરીથી શીખવું પડશે."

નિરાનારામના કહેવા મુજબ, "લોકો સાથે અને ખાસ કરીને સ્ત્રીઓ સાથે કેવી રીતે વાતચીત કરવી એ હું ખરેખર જાણતો નથી. મને ખબર નથી કે સ્ત્રીઓ સાથે કેવું વર્તન કરવું, કેવી રીતે વાત કરવી."

"મને સ્ત્રીઓ સાથે વાત કરતાં શીખવો એવું કોઈને કઈ રીતે કહેવું? વાતચીત શરૂ કરતાં પહેલાં મારે કાયમ બે વખત વિચારવું પડે છે."

જોકે, નિરાનારામ જીવનની શરૂઆત નવેસરથી કરવા ઇચ્છે છે. પરિવારે તેમને મોબાઈલ ફોન લઈ આપ્યો છે અને તેનો ઉપયોગ કરવાનું તેઓ શીખી રહ્યા છે.

ભત્રીજાઓએ નિરાનારામનું ફેસબુક તથા વૉટ્સઍપ એકાઉન્ટ બનાવી આપ્યું છે. તેમના ભાઈઓ પરિવારના 100 એકરના ખેતરમાં કામ કરે છે અને તેમાં ઘઉં, સરસવ તથા કઠોળ ઉગાડે છે, પરંતુ નિરાનારામ કાયદાનો અભ્યાસ કરવા અને સામાજિક કાર્ય વડે તેમના જેવા ભાવિનો સામનો કરી રહેલા અન્ય કેદીઓને મદદ કરવા ઇચ્છે છે.

તેમના ભત્રીજા રાજુ ચૌધરીએ કહ્યું તેમ હાલ તો નિરાનારામ ગામમાં "એક આકર્ષણ બન્યા છે. મોતના દરવાજેથી પાછા ફરેલા માણસને જોવા માટે સગાંસંબંધી સહિત હજારો લોકો રોજ આવે છે."

નિરાનારામ તેમના ભાઈના ઘરમાં એક ઓરડામાં રહે છે. તેમના ભત્રીજાઓને અંગ્રેજી શીખવે છે.

તેમના જણાવ્યા મુજબ, "જેલની ધીમી ગતિની તુલનાએ મુક્ત વિશ્વની ઝડપની આદત પાડવામાં સમય લાગશે. "

નિરાનારામે કહ્યું હતું કે "હું ભૂતકાળ અને ભવિષ્ય વચ્ચે લટકી રહ્યો છું. હું મુક્ત છું એ વાતની ખુશી છે. ભવિષ્યમાં શું થશે તેની ચિંતા થાય છે. મિશ્ર લાગણી અનુભવી રહ્યો છું."

───⊱◈✿◈⊰──


અન્ય મહત્વપૂર્ણ લિંક્સ :
સરકારી ભરતીની જાહેરાતોઅહીંયા ક્લિક કરો
જાણવા જેવું (અજબ ગજબ)અહીંયા ક્લિક કરો
સરકારી યોજનાઓઅહીંયા ક્લિક કરો
હેલ્થ કેર (દેશી ઔષધ)અહીંયા ક્લિક કરો
મોટીવેશનલ સ્ટોરીઅહીંયા ક્લિક કરો
શૂરવીરોની વીરગાથાઓઅહીંયા ક્લિક કરો
બૉલીવુડ ગપશપઅહીંયા ક્લિક કરો
રમત ગમતઅહીંયા ક્લિક કરો
આજના ન્યુઝ પેપરઅહીંયા ક્લિક કરો
આજનું રાશિ ભવિષ્યઅહીંયા ક્લિક કરો


───⊱◈✿◈⊰──

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

માત્ર એક વખત કરો રોકાણ અને જીવનભરનું ટેન્શન દૂર, દર મહિને મળશે રૂ.12,388 પેન્શન, LIC ની આ શાનદાર સ્કિમ તમારા માટે ફાયદાકારક

માત્ર એક વખત કરો રોકાણ અને જીવનભરનું ટેન્શન દૂર, દર મહિને મળશે રૂ.12,388 પેન્શન, LIC ની આ શાનદાર સ્કિમ તમારા માટે ફાયદાકારક જો તમે 42 વર્ષની...